વાયુસેનાના પ્લેન બનાવવા માટેના કોમ્પ્લેક્ષનું બાંધકામ પૂર્ણતાના આરે, પીએમ ઉદઘાટન કરશે
વડોદરાઃ વડોદરામાં ટાટા અને એરબસ કંપની દ્વારા એરફોર્સ માટેના ટ્રાન્સપોર્ટ પ્લેન બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટ માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.ટ્રાન્સપોર્ટ પ્લેન બનાવવા માટેનુ એરક્રાફટ કોમ્પ્લેક્ષ બનવાના આરે છે અને એકાદ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરે તેવી ચર્ચા શરુ થઈ છે.
મળતી વિગતો પ્રમાણે એરપોર્ટની પાછળના હિસ્સામાં બની રહેલા એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષ તરફ ન્યૂ વીઆઈપી રોડ પરથી જવાનો રસ્તો તૈયાર કરાયો છે.આજે કોર્પોરેશનની ટીમોએ યુધ્ધના ધોરણે રસ્તો સમથળ કરવાની અને આસપાસના ઝાડી ઝાંખરા હટાવવાની કામગીરી શરુ કરી હતી.એવુ પણ કહેવાઈ રહ્યું છે કે, રાજ્યના ચીફ સેક્રેટરી અશ્વિનીકુમાર આવતીકાલે, રવિવારે આ સ્થળની મુલાકાત પણ લેશે.
જેને લઈને એવી ચર્ચાઓએ પણ વેગ પકડયો છે કે, એરક્રાફટ કોમ્પ્લેક્ષનું આગામી એકાદ મહિનામાં અને સંભવતઃ દિવાળીના તહેવારો દરમિયાન પીએમ મોદીના હસ્તે ઉદઘાટન થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાએ એરબસ કંપની સાથે ૫૬ સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ પ્લેન ખરીદવાનો સોદો કર્યો છે.આ પૈકીના ૪૦ વિમાનો ટાટા ગુ્રપની કંપની સાથે મળીને વડોદરાના એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષમાં બનાવવામાં આવશે.આ કોમ્પ્લેક્ષ દર વર્ષે ૧૨ પ્લેન તૈયાર કરી શકશે.
૨૦૨૨ના ઓકટોબર મહિનામાં પીએમ મોદીના હસ્તે જ આ કોમ્પ્લેક્ષનો શિલાન્યાસ થયો હતો.એ પછી પૂરજોશમાં તેનુ કામ ચાલી રહ્યું છે.નવેમ્બર મહિનાથી તેમાં પ્રોડક્શનની શરુઆત થાય તેવી શક્યતાઓ છે.