વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પુછપરછ માટે લાવેલા તરસાલીના યુવકનું કસ્ટડીમાં શંકાસ્પદ મોત
વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
વાહનચોરીના ગુનામાં શંકાસ્પદ તરીકે ક્રાઇમ બ્રાન્ચમાં પુછપરછ માટે લવાયો હતો. દરમિયાન 29 વર્ષીય યુવકને છાતીમાં દુખાવા સાથે ખેંચ આવતા તેને સારવાર માટે જમનાબાઇ બાદ સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેમાં યુવકને મોત નિપજ્યું હતુ. સૂત્રોમાંથી જાણવામળ્યા મુજબ પોલીસ દ્વારા યુવકના મોતને કસ્ટોડિયલ ડેથ ગણીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.
શહેરના તરસાલી રીંગ રોડ પર આવેલા હરિનગર ખાતે રહેતા યજ્ઞેશ રાજેન્દ્ર ચૌધરી (ઉં.વ.29)પ્રાઇવેટ નોકરી કરતો હતો. મંગળવારે રાત્રીના 11 વાગ્યાની આસપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ યજ્ઞેશ ચૌધરીને ચોરીની ચોરી કરેલી બાઇક બાબતેની પુછતાછ માટે ક્રાઇમ બ્રાન્ચ લાવી હતી. જ્યાં પુછપરછ દરમિયાન અચાનક જ યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ખેંચ આવી જતા તેની તબિયત લથડી હતી. જેથી પોલીસ કર્મચારીઓ દ્વારા યુવકને તાત્કાલીક સારવાર માટે સરકારી ગાડીમાં જમનબાઇ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જમનબાઇ હોસ્પિટલમાંથી વધુ સારવાર રમાટે બ્રાન્ચના કર્મીઓ દ્વારા તેને સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. સયાજી હોસ્પિટલમાં હાજર તબીબોએ યજ્ઞેશનુ જરુરી ટ્રીટમેન્ટ આપી ઇ.સી.જી ચેક કરતા તે દરમિયાન રાત્રીના સમયે તેને મૃત જાહેર કરાયો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર બનાવની જાણ યજ્ઞેશના પરિવારને પણ કરવામાં આવી હતી.. પુત્રની આ રીતે મોત થયાના સમાચાર સાંભળી પરિવાર પણ સ્તબ્ધ થઇ ગયો હતો.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યજ્ઞેશને ચોરીની બાઇકની પુછતાછ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેનુ મોત નિપજ્યું હતુ. જોકે યજ્ઞેશના મૃતદેહના સયાજી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો. જ્યાં તેના પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. 29 વર્ષીય યજ્ઞેશનુ મોત કયા કારણોસર નિપજ્યું હતુ, તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ વધુ સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે.