મધ્ય ગુજરાતમાં વધુ ૫.૫૦ લાખ ઘરો પર સોલર પેનલો લગાવવાનું લક્ષ્યાંક
વડોદરાઃ સોલર રુફ ટોપ સિસ્ટમ થકી વીજળી ઉત્પન્ન કરવામાં આખા દેશમાં ગુજરાત મોખરે છે અને તેમાં પણ મધ્ય ગુજરાત વીજ કંપની સૌથી આગળ રહી છે અને આ બદલ તેને દિલ્હી ખાતે વધુ એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.વડોદરા એવુ શહેર છે જ્યાં સૌથી વધારે રુફ ટોપ સોલર સિસ્ટમ નાંખવામાં આવી છે.
રાજય સરકારે મકાનોની છતો પર સોલર રુફ ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની યોજના શરુ કરી ત્યારથી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં જૂન ૨૦૨૩ સુધી ૫૯૮ મેગાવોટની ક્ષમતાના રુફ ટોપ પ્લાન્ટસ ઈન્સ્ટોલ કર્યા હતા અને તેના કારણે દર વર્ષે ૭.૪૭ લાખ ટન કાર્બન ડાયોકસાઈડનુ ઉત્સર્જન ઓછુ થઈ રહ્યુ છે.જે પ્રતિ વર્ષ લાખો વૃક્ષોની સમકક્ષ છે.
સોલર રુફ ટોપ થકી વીજળી ઉત્પન્ન કરવામાં ગુજરાત એમ પણ આગળ રહ્યુ છે.સમગ્ર દેશમાં લાગેલી સોલર રુફ ટોપ સિસ્ટમમાં ૨૩ ટકા ફાળો ગુજરાતનો છે અને ગુજરાત આખા દેશમાં પહેલા ક્રમે છે.જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કુલ ૧.૩૫ લાખ મકાનો પર સોલર રુફ ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ છે અને તેની કુલ ક્ષમતા હવે ૭૦૩ મેગાવોટ પર પહોંચી છે.
સાથે સાથે વીજ કંપનીએ જાહેરાત કરી છે કે, કેન્દ્ર સરકારની સોલર રુફ ટોપ માટેની સૂર્યોદય યોજનામાં એક કરોડ લોકોના ઘર પર સોલર રુફ ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવનાર છે.આ પૈકી ૫.૫૦ લાખ ઘરો પર મધ્ય ગુજરાત વીજ કંપનીએ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો લક્ષ્યાંક મુકયો છે.વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, સોલર રુફ ટોપ યોજનામાં શ્રેષ્ઠ દેખાવ બદલ વીજ કંપનીને ચોથો એવોર્ડ મળ્યો છે.આ એવોર્ડ એક ખાનગી કંપની દ્વારા તા.૧૦ ફેબુ્રઆરીના રોજ એનાયત કરવામાં આવ્યો છે.