Get The App

તપન હત્યા કેસ : બાબરના બે ભાઇ સહિત 3 આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર

આરોપીઓની ગુનામાં સક્રિય ભૂમિકા, તપનની હત્યા પહેલા ક્યા સ્થળે એકઠા થઇને કાવતરૃ રચાયુ તેની જાણકારી પોલીસ મેળવશે

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
તપન હત્યા કેસ : બાબરના બે ભાઇ સહિત 3 આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર 1 - image


વડોદરા : એસએસજી હોસ્પિટલની અંદર પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના ૩૫ વર્ષના પુત્ર તપનની હત્યાના બનાવમાં પોલીસે અગાઉ પાંચ આરોપીની ધરપકડ કરી હતી જેમાંથી ચાર આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. બાકીનો એક આરોપી અને વધુ ઝડપાયેલા બે મળીને ૩ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેની સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ત્રણ આરોપીઓ વસીમ નરમહંમદ મન્સુરી ઉપરાંત બાબરના બે ભાઇઓ સલમાન ઉર્ફે સોનુ હબીબખાન પઠાણ અને મહેબુબ હબીબખાન પઠાણને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માટેના કારણો પોલીસે રજૂ કર્યા હતા કે ખુનની ઘટનામાં આરોપીઓની સક્રિય ભૂમિકા છે. ગુનામાં પુરાવા માટે ખુટતી કડી મેળવવા આરોપીઓની પુછપરછ કરવી જરૃરી છે. અન્ય આરોપીઓની સાથે રાખીને અને અલગ અલગ રાખીને પુછપરછ કરીને ગુના અંગે જાણકારી મેળવવાની છે. ભાગતા ફરતા આરોપીઓની જાણકારી મેળવવાની છે. ગુનામાં વપરાયેલ ચપ્પુ અંગેની માહિતી આ આરોપીઓ પાસે હોવાની શક્યતા છે. આ ચપ્પુ કોની પાસેથી ખરીદ્યુ છે તેની જાણકારી મેળવવાની છે.

આરોપીઓએ કઇ જગ્યાએ એકઠા થઇને હત્યાનું કાવતરૃ રચ્યું હતું અને તેમાં કોણ કોણ સંડોવાયુ છે. ક્યા આરોપીઓએ કઇ ભુમિકા ભજવી. આરોપીઓ ફરાર થયા બાદ ક્યાં ક્યાં રોકાયા અને કોણે સહયોગ આપ્યો. આ ત્રણ આરોપીઓ સામે  ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાયા છે એટલે રીઢા ગુનેગાર છે માટે આ કારણોસર આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડની જરૃર છે. આ મામલે પબ્લિક પ્રોસિક્યૂટર અનિલ દેસાઇની દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓને એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડમાં મોકલી આપ્યા છે.


Google NewsGoogle News