મહિલા લેક્ચરર પર બળાત્કાર ગુજારનાર તાંત્રિકની ધરપકડ
નાડીવૈદ્ય, આયુર્વેદિક ડોક્ટર, કર્મકાંડી બ્રાહ્મણ અને તાંત્રિકની ઓળખ આપનાર હવસખોર અમિત માંડલીયા જેલમાં ધકેલાયો
વડોદરા, તા.10 માઇગ્રેન, અનિદ્રા તેમજ માનસિક તણાવની બીમારીથી પીડાતી એન્જિનિયરિંગની એક મહિલા લેક્ચરરને બીમારીઓ દૂર કરવાની સલાહ આપી વારંવાર દુષ્કર્મ ગુજારનાર પોતાની જાતને નાડી વૈદ્ય અને આયુર્વેદિક ડોક્ટર તરીકે ઓળખ આપતા બોટાદ જિલ્લાના હવસખોરની પોલીસે ધરપકડ કરી હતી.
પાદરા તાલુકાના એક ગામની સોસાયટીમાં રહેતી ૩૪ વર્ષની મહિલા લેક્ચરરે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે હું એન્જિનિયરિંગમાં લેક્ચરર તરીકે વડોદરાની યુનિવર્સિટીમાં નોકરી કરતી હતી ત્યારે મારી ઓળખાણ અમિત ચમનલાલ માંડલીયા (રહે.સુંદરીયાણા ગામ, તા.રાણપુર, જિલ્લો બોટાદ) સાથે થઇ હતી. અમિત નાડી વૈદ્ય અને આયુર્વેદિક ડોક્ટર છે, નાડી પારખવાનું સારી રીતે જાણે છે તેવી ઓળખ આપી હતી.
મને માઇગ્રેનની બીમારી હોવાથી મેં અમિત માંડલીયાની સલાહ લીધી હતી જેથી તે મને દવા આપતો હતો. તે મને હવાફેર કરવાનું કહેતાં હું તેની સાથે બહારગામ ફરવા માટે જતી હતી. મેં પાદરા પાસેના એક ગામ પાસે ઘર ભાડે રાખ્યું ત્યારે અમિત વારંવાર મારા ઘેર આવતો હતો અને બીમારી દૂર કરવાના બહાને મારી સાથે નગ્નાવસ્થામાં વિવિધ મુદ્રાઓ કરાવી દુષ્કર્મ આચરતો હતો. તેણે મારી પાસેના સોનાના દાગીના અને રોકડ પર પચાવી પાડી હતી.
ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે જિલ્લા પોલીસે હવસખોર અમિતની ગઇકાલે રાત્રે ધરપકડ કરી હતી. પોલીસે મહિલા લેક્ચરર તેમજ અમિતનું મેડિકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાવનાર મહિલા હાલ ખાનગી ટયૂશન ક્લાસ ચલાવે છે જ્યારે અમિતને કોર્ટમાં રજૂ કરતાં રિમાન્ડ નામંજૂર થયા હતા અને તેને જેલમાં મોકલી આપ્યો હતો.