હત્યાની કોશિષ અને લૂંટનો આરોપી તાંત્રિક ૧૫ મહિના બાદ ઝડપાયો
ભમ્મરઘોડા ગામે તાંત્રિકવિધિ માટે આવ્યા બાદ તે આણંદ તરફ ભાગતા ચીખોદરા ચોકડી પાસેથી ઝડપી પડાયો
ડેસર તા.૨૬ ડેસર તાલુકાના શિહોરારોડ પર એક ગાડીનો પીછો કરી તેનો કાચ તોડી નાંખી લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનાનો આરોપી તેમજ સ્મશાનમાં તાંત્રિકવિધિઓ કરતા ભૂવાનો જિલ્લા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી આણંદ જિલ્લાની હદમાંથી ઝડપી પાડયો હતો. ૧૫ મહિના પહેલાં નોંધાયેલા ગુનાના આરોપીને આખરે જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે સંદિપ રમેશભાઇ જેસડીયા પોતાની ફોર વ્હિલ ગાડીમાં શિહોરાથી રાણીયા તરફ જતા હતા ત્યારે તેનો પીછો કરી ગાડી રોકી અને ગાડીના કાચ તોડી નાંખી તલવાર વડે હુમલો કરી હત્યાની કોશિષ કરી હતી તેમજ મોબાઇલ તોડી નાંખી સોનાની ચેન અને રોકડની લૂંટ કરી હતી. આ બનાવ અંગે સંદિપ જેસડીયાએ રવિરાજ રાજુભાઇ રાઠોડ (રહે.શુભનગર સોસાયટી, હાથીજણ પાસે, બડોદરાગામ, તા.દસક્રોઇ, જિલ્લો અમદાવાદા)ની સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ રવિરાજ રાઠોડ ફરાર થઇ ગયો હતો. તે તાંત્રિકવિધિ કરતો હોવાથી વિવિધ સ્થળે ભાગતો ફરતો હતો અને છેલ્લા ૧૫ મહિનાથી પોલીસ તેને ઝડપી શકતી ન હતી. દરમિયાન સાવલીના ભમ્મરઘોડા ખાતેના એક મંદિરમાં તાંત્રિકવિધિ માટે રવિરાજ આવ્યો છે તેવી માહિતી મળતાં જિલ્લાના પેરોલ ફર્લો સ્ક્વોડ ત્યાં પહોંચ્યું ત્યારે તાંત્રિક રવિરાજ સ્કોર્પિયો ગાડીમાં ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે બાદમાં તેનું પગેરું દબાવી તેનો પીછો કરી તેની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન આણંદ જિલ્લાના ચીખોદરા ચોકડી પરથી રવિરાજને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પેરોલ ફર્લો સ્ક્વોડે તાંત્રિકને ઝડપી પાડી ડેસર પોલીસને સોંપી દીધો હતો.