રિફાઇનરીની આગને બુઝાવવા ભરૃચ તેમજ અંકલેશ્વરથી પણ ટેન્કરો મંગાવવી પડી
ટેન્કમાં ૨.૫ લાખ લીટર બેન્ઝિન હતું
વડોદરા, તા.11 વડોદરા નજીક કોયલી ખાતે આવેલી ગુજરાત રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં એક ટેન્કમાં બ્લાસ્ટ સાથે લાગેલી વિકરાળ આગને બુઝાવવા માટે સ્થાનિક ઉપરાંત ભરૃચ અને અંકલેશ્વરથી પણ ફોમની ટેન્કરો બોલાવવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રિફાઇનરીની આગ રાત્રે વધુ વિકરાળ બની હતી. આ અંગે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં આવેલી બેન્ઝિનની સ્ટોરેજ ટેન્કમાં આકસ્મિક આગ લાગી હતી. એક હજાર કિલોલીટર સ્ટોરેજની ક્ષમતા ધરાવતી આ ટેન્કમાં ૨૫૦ કિલોલીટર એટલે કે અઢી લાખ લીટર બેન્ઝિનનું મટિરિયલ હતું. આ ટેન્કમાં આગના પગલે પાણીનો મારો અને ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે હજી સુધી આગ કાબૂમાં આવી નથી.
દરમિયાન સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રિફાઇનરીની આગ વધુ વિસ્તરતી અટકાવવા માટે વડોદરાની આસપાસના મોટા ઉદ્યોગોમાંથી ટેન્કરો મંગાવવા ઉપરાંત ભરૃચ, અંકલેશ્વર ખાતેના મોટા ઉદ્યોગો તેમજ ભરૃચ નગરપાલિકા પાસેથી ફોમની ટેન્કરો મંગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રિફાઇનરીમાં આગની ઘટના બાદ જિલ્લા કલેક્ટર બીજલ શાહ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો.