વડોદરામાં ટેન્કરોની ચોરી કરતી ગેંગ પકડાઈ, ત્રણ સાગરીતોને પાસા હેઠળ જેલમાં મોકલ્યા

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
વડોદરામાં ટેન્કરોની ચોરી કરતી ગેંગ પકડાઈ, ત્રણ સાગરીતોને પાસા હેઠળ જેલમાં મોકલ્યા 1 - image

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

જવાહર નગર અને આસપાસના વિસ્તારમાંથી ટેન્કરોની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડ્યા બાદ ત્રણ આરોપીને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે.

તાજેતરમાં રણોલી વિસ્તારમાંથી બે ટેન્કરની ચોરીનો બનાવ બનતા જવાહર નગર પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારો મારફતે તપાસ કરી ટેન્કરોની ચોરી કરતી એક ગેંગને ઝડપી પાડી હતી.

આ ગેંગની પૂછપરછ દરમ્યાન સાત ટેન્કરોની ઉઠાંતરી કરી હોવાની ચોક આવનારી વિગતો પોલીસને જાણવા મળી હતી. જેથી આ ટેન્કરો કબજે કરવા માટે પોલીસે કાર્યવાહી કરતા બે ટેન્કર મળી આવી છે જ્યારે બાકીની ટેન્કર આણંદ વિસ્તારમાં વહેંચી દેવામાં આવી હોવાની પોલીસને શંકા છે.

પોલીસે આ ગેંગના ત્રણ સાગરીતોને પાસા હેઠળ જેલમાં મોકલી આપ્યા છે. જેમાં ગુરુપ્રીત સિંઘ સતનામસિંઘ બાજવા (ભગવતી સોસાયટી,રણોલી) ને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે એહમદ હુસેન સાબીર હુસેન શેખ (રણોલી રેલવે સ્ટેશન પાસે મૂળ રહે નાણાવટી ચાલ પંડ્યા બ્રિજ પાસે) ને ભાવનગર જેલમાં અને નાસીર હસનભાઈ ગરાસીયા‌ (છાણી,હરિધામ સોસાયટી, સોખડા રોડ)ને જામનગર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News