સ્માર્ટ સિટિ વડોદરામાં ટેન્કર રાજઃ4 દિવસમાં 1000 ટેન્કરોથી પીવાના પાણીનું વિતરણ
વડોદરાઃ કોંગ્રેસના સમયે ટેન્કર રાજ ચાલતું હોવાની વાતો કરતા સ્માર્ટ સિટિના વહીવટ કર્તાઓને હવે ટેન્કરોની મદદ લેવાનો વખત આવ્યો છે.વડોદરામાં પીવાના પાણી માટે ચાર દિવસમાં ૧ હજાર થી વધુ ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડવું પડયું છે.
વડોદરાના આજવારોડની પાણીની લાઇનમાં ભંગાણ પડતાં પૂર્વ વિસ્તારમાં ચાર દિવસથી પાણીની અછત સર્જાઇ છે.જેને કારણે અનેક સોસાયટીઓ અને કોમ્પ્લેક્સોમાં બબ્બે દિવસથી પાણી નહિં આવતાં લોકોમાં રોષ છવાયો છે.જેથી આગામી સમયમાં ચૂંટણી પ્રચાર માટે જતા નેતાઓને આ મુદ્દે લોકોને જવાબ આપવો પડશે.
તો બીજીતરફ કોંગ્રેસના સમયે ટેન્કર રાજ ચાલતું હોવાનું કહી ભાષણબાજી કરતા સ્માર્ટ સિટિના શાસકોને ટેન્કરોની મદદ લેવાનો વખત આવ્યો છે.પીવાના પાણીનું વિતરણ કરવા માટે કોર્પોરેશનને ચાર દિવસમાં ૭૧૩ જેટલી ઓનલાઇન વર્દી મળી છે.જ્યારે ૨૦૦ થી ૩૦૦ જેટલી ટેન્કરો ઓફલાઇન મંગાવવામાં આવી છે.
વડોદરા ફાયરબ્રિગેડ પાસે મર્યાદિત ટેન્કરો અને અપૂરતો સ્ટાફ હોવાને કારણે ટેન્કર વિતરણનંર કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.વળી પાણીની ટાંકીઓમાં પણ પાણીનો પૂરતો જથ્થો તેમજ દબાણ નહિં હોવાથી તેઓ પહોંચી વળતા નથી.જેને કારણે હજી ૧૮૦ જેટલી ટેન્કરોનું વિતરણ બાકી રહ્યું છે.
ઓનલાઇન ટેન્કરોની માંગણી
તારીખ ટેન્કરની સંખ્યા
૨૭ માર્ચ ૬૩
૨૮ માર્ચ ૨૯૨
૨૯ માર્ચ ૨૭૯
૩૦ માર્ચ ૭૯
રૃ.૩૦૦ ને બદલે રૃ.૫૦૦ ચૂકવવા છતાં ખાનગી ટેન્કરવાળાને ત્યાં વેઇટિંગ
શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની અછત સર્જાતાં ખાનગી પાણી વિતરકોને ત્યાં ધસારો વધી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ,પાણીનો વ્યવસાય કરતા ખાનગી ટેન્કર ધારકોને ત્યાં પણ પાણી માટે માંગણી વધી છે.જેને કારણે કોર્પોરેશનની ટેન્કર દીઠ રૃ.૩૦૦ ચૂકવતા લોકોને ખાનગી ટેન્કર માટે રૃ.૫૦૦ કે તેથી વધુ રકમ ચૂકવવી પડતી હોવા છતાં વેઇટિંગમાં રહેવું પડે છે.
આવી જ રીતે પાણીના આરઓ પ્લાન્ટ ધારકોને ત્યાં રોજ છૂટાછવાયા ગ્રાહકો જોવા મળતા હતા ત્યાં પણ લાઇનો પડી રહી છે.