Get The App

બોલતો આંબો - એક વૃક્ષ જે મહિલાઓની સફળતા અને સંઘર્ષની વાત કરે છે

વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડ ઉપર દીકરીઓ, યુવતીઓ, મહિલાઓ પોતાની વાત આંબાને કહે છે

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
બોલતો આંબો - એક વૃક્ષ જે મહિલાઓની સફળતા અને સંઘર્ષની વાત કરે છે 1 - image
બોલતા આંબા સાથે મહારાણી રાધિકારાજે ગાયકવાડ

વડોદરા : નવરાત્રિની રમઝટ જામી છે. ગરબા આયોજકો અલગ અલગ થીમ ઉપર ગ્રાઉન્ડની સજાવટ કરી છે. સમાજ જાગૃતિના અલગ અલગ વિષય ઉપર થીમ ગરબા પણ રજૂ થઇ રહ્યા છે. લક્ષ્મિવિલાસ પેલેસમાં યોજાતા હેરિટેજ ગરબા ગ્રાઉન્ડ ઉપર આંબાનું એક વૃક્ષ એવુ છે કે તેને 'બોલતો આંબો' તરીકે ઓળખવામાં આવે છે.

આ આંબાની ડાળીઓ અને પાંદડાઓ સ્ત્રીની સ્વતંત્રતાની, દમનની, નિષ્ઠુરતાની, અપમાનની, સંઘર્ષની, સફળતાની વાત કરે છે ઃ મહારાણી રાધિકારાજે ગાયકવાડ

બોલતા આંબા અંગે વાત કરતા મહારાણી રાધિકારાજે ગાયવાડે કહ્યું હતું કે 'આ વૃક્ષ માત્ર લીલાછમ પાંદડાં અને મીઠાં ફળોનું નથી, પણ આપણા સમાજની ચેતનાનું પ્રતિબિંબ છે.કલ્પના કરો, એક એવું વૃક્ષ જેના દરેક પાન પર એક વાર્તા છુપાયેલી છે. દરેક ડાળી પર એક સપનું લટકે છે. અને દરેક મૂળિયામાં એક અવાજ ધબકે છે. એ અવાજ જે કદાચ આજ સુધી દબાયેલો રહ્યો હોય. આ છે આપણો બોલતો આંબો - મૂક વાર્તાઓનું વાચાળ પ્રતીક.

અમે આંબા પાસે કોરી ચીઠ્ઠીઓ રાખી છે.ગરબા રમવા આવતી દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓ પોતાની સુખ-દુઃખ, આશા-નિરાશાની વાત આ ચીઠ્ઠીમાં લખે છે અને આંબાની ડાળે અથવા તો પાંદડાઓ સાથે અથવા તો થડ સાથે બાંધી દે છે અને મનને ખાલી કરી દે છે. આ આંબાની ડાળીઓ અને પાંદડાઓ સ્ત્રીની સ્વતંત્રતાની, દમનની, નિષ્ઠુરતાની, અપમાનની, સંઘર્ષની, સફળતાની વાત કરે છે એટલે આ આંબો બોલતો આંબો છે. બે વર્ષમાં ૧૦ હજાર કરતા વધુ દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓએ પોતાની વાત આ આંબાને કહી છે. આ આંબો માત્ર એક વૃક્ષ નથી - તે આપણા સમાજનો અરીસો છે.

બોલતો આંબો - એક વૃક્ષ જે મહિલાઓની સફળતા અને સંઘર્ષની વાત કરે છે 2 - image
આઇએમએ આયોજીત ગરબામાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

આઇએમએના ગરબા સમાજ પરિવર્તનનું કેન્દ્ર બનશે વડોદરામાં એક હજાર હોસ્પિટલ છે, દરેક હોસ્પિટલ એક દિવ્યાંગને દત્તક લેશે

શહેરના ઓલ્ડ પાદરા રોડ ઉપર અક્ષર ચોક પાસે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરા ચેપ્ટર દ્વારા બે વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. વડોદરા ચેપ્ટરના પ્રેસિડેન્ટ ડો.મિતેષ શાહે કહ્યું હતું કે અમારા ગરબા માતાજીની ભક્તિ માટે અને સમાજ પરિવર્તનની શક્તિ માટે છે. અમારા ગરબા સમાજ પરિવર્તનનું કેન્દ્ર બનશે.

અમારા ગરબામાં એક દિવસ અમે સિનિયર સિટીઝનો માટે ફાળવ્યો હતો તો એક દિવસ દિવ્યાંગો માટે. અમારા ગરબા દ્વારા વડોદરાથી અમે એક પ્રોજેક્ટ શરૃ કર્યો છે. વડોદરામાં એક હજાર હોસ્પિટલ છે. અમે તમામને વિનંતી કરી છે કે ઓછામાં ઓછા એક દિવ્યાંગ બાળકને તે પગભર ના થાય ત્યાં સુધી દતક લે. તેમાં પણ અનાથ હોય અથવા સિંગલ પેરન્ટ હોય અથવા તો દીકરી હોય તેવા દિવ્યાંગને પ્રાથમિકતા આપવી. હોસ્પિટલોએ અમારી વિનંતીને આવકાર પણ આપ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ છે તેની સફળતા પછી આઇએમએ દ્વારા આખા દેશમાં લાગુ કરવાના પ્રયાસ કરાશે.

સ્વચ્છતા, વીર જવાનો, વ્યસન મુક્તિ જેવી થીમ સાથે ગરબાનું આયોજન

કારેલીબાગ આનંદનગર ખાતે યોજાતા શ્રી નવશક્તિ ગરબાના આયોજક અને નર્સિંગ એસોસિએશનના આગેવાન કમલેશ પરમારે કહ્યું હતું કે અમારા ગરબામાં રોજ સમાજ જાગૃતિ માટે એક નવી થીમ હોય છે. ખાસ કરીને સ્વચ્છતા, વીર જવાન, વ્યસન મુક્તિ જેવા વિષયો ઉપર અમે ભાર મુકીએ છીએ. જે થીમ હોય તે થીમ અનુરૃપ વેશભૂષા માટે અમે ખેલૈયાઓને આગ્રહ કરીએ છીએ. જે તે વિષયના પ્લેકાર્ડ અને બેનર સાથે પણ ખેલૈયાઓ ગરબા રમે છે. દેશ માટે જરૃરી મુદ્દાઓ ઉપર લોકોનું ધ્યાન ખેંચાય તે માટે અમે પ્રયાસ કરીએ છીએ.


Google NewsGoogle News