વેપારીને બંધક બનાવી ડ્રાઇવર અને રસોઈયાએ દાગીના સહિત 47.43 લાખની લૂંટ ચલાવી

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
વેપારીને બંધક બનાવી ડ્રાઇવર અને રસોઈયાએ દાગીના સહિત 47.43 લાખની લૂંટ ચલાવી 1 - image


ગાંધીનગર નજીક આવેલી સુઘડના અષ્ટવિનાયક બંગ્લોઝમાં

ઊંઘમાં રહેલા વેપારી ઉપર પરોઢે બેટથી હુમલો કર્યો : ૬૬ તોલા દાગીના અને છ લાખ રોકડા સાથે મોપેડ લઈ ફરાર ઃ આરોપીઓનું પગેરૃ મેળવવા પોલીસની કવાયત તેજ

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલી સુઘડની અષ્ઠ વિનાયક વસાહતમાં વેપારીને બંધક બનાવી રસોઈયા અને ડ્રાઇવર દ્વારા ઘરના લોકરમાંથી ૬૬ તોલા દાગીના અને ૬ લાખ રોકડા મળી ૪૭.૪૩ લાખ રૃપિયાની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જે અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આ લુટારાઓને પકડવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર નજીક આવેલા સુઘડમાં અષ્ટવિનાયક - ૩૬ બંગલો નંબર - ૪ માં અપુર્વભાઈ રામેશ્વરનાથ ખન્ના પત્ની રૃબી અને બે સંતાનો સાથે રહે છે. પત્ની અને સંતાનો હાલ દિલ્હી ખાતે રહે છે. અપૂર્વભાઈ તેમના ભાગીદાર પ્રવિણસિંહ સાથે અમદાવાદ ખાતે મોબાઇલ સોફ્ટવેટ બનાવવાનું અને સ્ક્રેપ્ટનો વેપાર કરે છે. છેલ્લા ચારેક વર્ષથી તેમના ઘરે રસોઈ બનાવવાનું કામ અભિષેક કૈલાશચંદ ભેરવા (રહે,ઠાકુરવાલી ધાણી, ગામ-બનીયાના જી-દોસા, રાજસ્થાન) કરતો હતો. ત્યારે ડ્રાઈવરની જરુર પડતાં રસોઈયાનાં ઓળખીતા મનોજ મીણાને બે મહિના અગાઉ રાખવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ અભિષેક નશો કરેલી હાલતમાં મળતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને એજન્સી મારફતે રાજેશ રવિન્દ્ર મંડલને નોકરી ઉપર રસોઈયા તરીકે રાખવામાં આવ્યો હતો. ગત શુક્રવારની રાત્રે અપૂર્વભાઈ તેમના ઘરના રૃમમાં સૂઈ રહ્યા હતા તે દરમિયાન વહેલી પરોઢે ડ્રાઇવર મનોજ મીણા અને પૂર્વ રસોઈયો અભિષેક ભેરવા તેમના રૃમમાં પહોંચ્યા હતા અને લાકડીથી માર મારવાનું શરૃ કર્યું હતું.

અપૂર્વભાઈ આ વ્યક્તિઓનો પ્રતિકાર કરે તે પહેલા જ તેમની ઉપર બેટથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ શખ્સોએ પૈસા નિકાલ તેમ કહી લોકરની ચાવી કાઢી લીધી હતી અને ત્યારબાદ લોકરમાંથી ૬૬ તોલા સોનાના દાગીના છ લાખ રૃપિયા રોકડા તેમજ ત્રણ ઘડિયાળ અને મોબાઈલ બેગમાં ભરી લીધા હતા. દોરીથી તેમના હાથ પગ બાંધી દીધા હતા અને અન્ય રસોયા રાજેશ મંડલ અને ડ્રાઇવર શૈલેષ કેસાજી ભીલને પણ રૃમમાં લાવીને માર માર્યો હતો અને તેમને પણ બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ અપૂર્વભાઈનું મોપેડ લઈને આ શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. ત્યારબાદ જેમ તેમ કરીને છુટકારો મેળવ્યા બાદ ભાગીદાર પ્રવિણસિંહને જાણ કરી હતી અને અડાલજ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી અને લૂંટનો ગુનો દાખલ કરીને આ લૂંટારાઓની શોધખોળ શરૃ કરી છે.


Google NewsGoogle News