શાંતિ સમિતિ : રથયાત્રાના બીજા દિવસે તાજીયા બેસાડવામાં આવશે : તાજીયા કમિટી ચેરમેન
Rathayatra Vadodara : ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને મહોરમ પર્વ શાંતિથી ઉજવાય અને ભક્તજનો દર્શનનો લાભ વ્યવસ્થિત રીતે લઈ શકે એ અંગે પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી રથયાત્રા અને મહોરમ પર્વ એક જ દિવસે આવશે તો રથયાત્રાના બીજા દિવસે મહોરમ પર્વની ઉજવણી થશે તેમ તાજીયા કમિટીના ચેરમેને જણાવ્યું હતું. આ બંને તહેવારો સહિત અન્ય તમામ તહેવારો શાંતિમય રીતે ઉજવાય એવો નિર્ણય પણ લેવાયો હતો.
ભગવાન જગન્નાથજી અને બહેન સુભદ્રા તથા બલભદ્ર આગામી તા.7મીએ દિનચર્યાએ નીકળીને ભક્તજનોને દર્શન આપશે. આ ઉપરાંત મુસ્લિમ બિરાદરોનો તાજીયા મહોત્સવ પણ આગામી તા.7મીએ આવી રહ્યો છે. આ બંને તહેવારો શાંતિ અને સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં પ્રત્યેક કોમ એકતાના માહોલમાં ઉજવે એ અંગે પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે તાજીયા કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે જો રથયાત્રા અને મહોરમ પર્વ એક જ દિવસે આવશે તો તાજીયા બીજા દિવસે એટલે કે તા.8મીએ બેસાડવામાં આવશે તેવી જાહેરાત તાજીયા કમિટીના ચેરમેને કરી હતી. શાંતિ સમિતિની આ બેઠકમાં શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં વ્યવસ્થિત રીતે દર્શન કરી શકે એ બાબત ખાસ ધ્યાનમાં લેવાઈ હતી. રથયાત્રા અને મહોરમ પર્વ નિમિત્તે લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. કાયદો વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસને બહારથી બોલાવવામાં આવનાર પોલીસ જવાનો સહિત બીએસએફ અને આરપીએફ પણ મદદમાં રહેશે. શહેરના તમામ ધારાસભ્યોએ તહેવારો નિમિત્તે કરેલા સૂચનો પણ શાંતિ સમિતિની બેઠકમાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.