વિદ્યાર્થીઓ નવા સિલેબસની રાહ જોતા રહ્યા અને દિવાળી વેકેશન પડી ગયું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં ઘોર નિષ્ફળ રહી છે.જેના કારણે એફવાયબીકોમના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ અનેક સવાલો ઉભા થયા છે.
યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દિવાળી વેકેશન શરુ થઈ ગયુ છે પણ નવી શિક્ષણ નીતિ પ્રમાણેનો સિલેબસ જાહેર કરી શકી નથી.૨૮ નવેમ્બરથી ફરી શિક્ષણ કાર્ય શરુ થશે અને ત્યારે પણ વિદ્યાર્થીઓને નવો સિલેબસ મળવા પર અનિશ્ચિતતા છે.કારણકે બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકમાં નવા સિલેબસને હજી સુધી મંજૂરી મળી શકી નથી.
નવી શિક્ષણ નીતિ પ્રમાણે તો દરેક સેમેસ્ટરમાં બે ઈન્ટરનલ પરીક્ષા લેવાની રહેશે.સાયન્સ જેવી ફેકલ્ટીઓએ તો એફવાયની એક ઈન્ટરનલ પરીક્ષા લઈ લીધી છે અને બીજી ઈન્ટરનલ પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દીધી છે.બીજી તરફ કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના વિદ્યાર્થીઓ તો ઠીક છે પણ અધ્યાપકોને પણ ખબર નથી કે સિલેબસ ક્યારે અને કેવી રીતે લાગુ થશે, શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓ વિષય પસંદગી કેવી રીતે અને ક્યારે કરશે તેમજ ઈન્ટરનલ પરીક્ષા ક્યારે લેવાશે?
એફવાયના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા હોવાનુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.નવો સિલેબસ જાહેર થશે તો પણ તેને ભણાવવા માટે પૂરતો સમય નહીં રહે અને આ પ્રકારની સ્થિતિમાં છેલ્લા બે વર્ષથી થઈ રહ્યુ છે તેમ કોર્સ ઓછો કરીને એફવાયના વિદ્યાર્થીઓના લેકચર ગમે તે રીતે પૂરા કરી દેવાશે અને ફટાફટ પરીક્ષા લઈને તેમને બીજા વર્ષમાં મોકલી દેવાશે.