Get The App

યુનિ.કેમ્પસમાં તલવારોનુ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો વિડિયો વાયરલ

Updated: Apr 5th, 2023


Google NewsGoogle News
યુનિ.કેમ્પસમાં તલવારોનુ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો વિડિયો વાયરલ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં જાહેરમાં જ તલવારોનુ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો વિડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ હતી.યુનિવર્સિટીની સિક્યુરિટી અને  વિજિલન્સે ચાર વિદ્યાર્થીઓને આ મામલામાં પકડયા હતા અને તેમને પૂછપરછ બાદ છોડી મુકવામાં આવ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે આજે આર્ટસ ફેકલ્ટીમાં ગૂંબજના પગથિયાર પર બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓ એક બીજાને તલવાર બતાવી રહ્યા હોવાનો વિડિયો વાયરલ થયો હતો.આસપાસમાં જ ઉભેલા કોઈ વિદ્યાર્થીએ આ વિડિયો ઉતારી લીધો હતો.

આ વિડિયોના કારણે વિજિલન્સ અને સિક્યુરિટીની પોલમપોલ છતી થઈ ગઈ હતી.કારણકે વિદ્યાર્થીઓએ જ્યાં તલવાર જાહેરમાં દેખાડી હતી તેનાથી થોડે જ દુર વિજિલન્સનો એક કંટ્રોલ રુમ પણ આવેલો છે.આબરુ બચાવવા માટે વિજિલન્સ ઓફિસર પી પી કાનાની અને  વિજિલન્સ સ્કવોડના બીજા સભ્યોએ દોડધામ કરી મુકી હતી.વિડિયોના આધારે તેમણે બે સ્ટુડન્ટસને પકડયા હતા.

પૂછપરછમાં તેમણે બીજા બે વિદ્યાર્થીઓના નામ આપ્યા હતા.તલવાર આ બે વિદ્યાર્થીઓની હતી.તેમને વિજિલન્સ દ્વારા પાછા બોલાવવામાં આવ્યા હતા.જોકે તેઓ ઘરે પહોંચી ગયા હોવાથી તેમને પાછા બોલાવાયા હતા.કુલ મળીને ૩ વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થિનીની યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સિક્યુરિટી ઓફિસમાં લઈ જવાયા હતા.

આ દરમિયાન પોલીસ કાફલો પણ હેડ ઓફિસ ખાતે પહોંચી ગયો હતો.પહેલા વિજિલન્સ અને બાદમાં પોલીસે તેમની પૂછપરછ કરી હતી.જે બે વિદ્યાર્થીઓની આ તલવાર હતી તેમણે પૂછપરછમાં કહ્યુ હતુ કે, અમારા એક મિત્રને સાયન્સ ફેકલ્ટીમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આ તલવારો અમે આપી હતી.કાર્યક્રમ પતી ગયા બાદ આ તલવારો તેણે અમને પાછી આપી હતી.અમે ઘરે જતા પહેલા કેમ્પસમાં તલવારો લઈ ગયા હતા અને મારા મિત્રોને બતાવી હતી.આ દરમિયાન કોઈએ અમારો વિડિયો ઉતારી લીધો હતો.


Google NewsGoogle News