કોર્પો. દ્વારા મીઠાઇ, ફરસાણ અને ફરાળી વાનગીઓનું ચેકિંગ કરાયું
૬૯ નમૂના લઇ તપાસાર્થે લેબોરેટરીમાં મોકલ્યા વેપારીઓને સ્વચ્છતા જાળવવા સૂચના
વડોદરા, પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઇ તેમજ જાહેર આર્ગોયને અનુલક્ષીને વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરાળી લોટ, તૈયાર ફરાળી વાનગી, મીઠાઇ, ફરસાણ તેમજ રો-મટીરીયલ વગેરેનું વેચાણ કરતા ઉત્પાદક , મીઠાઇ ફરસાણની દુકાનો વગેરેમાં ઇન્સ્પકેશન કરવામાં આવ્યું હતું, જેમાં ૬૯ નમૂના ચેકિંગમાં લઇ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી દીધા હતા.
કોર્પોરેશનના કમિશનર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરોની જુદી જુદી ટીમો બનાવી હતી જેના દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યુ ંહતું. તા.૬ થી ૧૬ દરમ્યાન વડોદરા શહેરના રાવપુરા, અમદાવાદી પોળ, ઓ.પી. રોડ, માંજલપુર, મકરપુરા, સમા સાવલીરોડ, ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, આજવા રોડ, સ્ટેશન , કારેલીબાગ, પ્રતાપનગર ટી.પી.૧૩ છાણી જકાતનાકા વિસ્તારોમાં ઇન્સપેકશનની કામગીરી કરવામાં આવી હતી. જે દરમ્યાન કેસરી પેંડા, ખોયા (લૂઝ), કેસરપેંડા, કેસરી મલાઇ પેંડા, માવા રાસબરી મીઠાઇ, ચોકલેટ કાજુ કતરી, કેસર કતરી વીથ સીલ્વર લીફ, બદામ કેસર પેન્ડા, ઘી, રાજગરાનો લોટ, મોરિયાનો લોટ, શીંગોડાનો લોટ, મીક્ષ ફરાળી લોટ, કોપરાની પેટીસ, સાબુદાણાના વડા, ફરાળી પાત્રા, ફરાળી ચેવડો, કેળા વેફર અને બટાકાની વેફર વગેરેના ૬૯ નમૂના લીધા હતા.
આ ઉપરાંત દુકાનમાં મીઠાઇ તેમજ ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો માવો, બરફી, ઘી, કપાસીયા તેલ, પામોલીન તેલ, સીંગતેલનો ઉલ્લેખ કરતા બોર્ડ પણ દુકાનમાં ગ્રાહકોને દેખાય તે રીતે પ્રદર્શિત કરવામાં આવેલ છે કેકેમ તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. શિડયુલ-૪ મુજબ સ્વચ્છતા જાળવવા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી હતી.