રાજ્યમાં વડોદરા ટોપ ફાઇવમાં સ્વાગત ઓનલાઇન માટે દર મહિને ૧૦૦થી વધુ તંત્રને મળતી ફરિયાદો
ગ્રામ સ્વાગતમાં આઠ માસમાં ૧૯૫૪ ફરિયાદો તંત્રને મળી
વડોદરા, તા.૬ સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એકલદોકલ અરજીઓ આવતી હતી, તેની સામે હાલમાં પ્રતિમાસે એકસોથી વધુ અરજીઓ ફરિયાદ સ્વરૃપે આવતી થઇ છે. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજી મેળવવામાં વડોદરા માસાંતરે સમગ્ર રાજ્યમાં ટોપના પાંચ જિલ્લામાં આવે છે.
માર્ચ ૨૦૨૩માં તાલુકા સ્વાગતમાં કુલ ૧૭૪ અરજીઓ હતી. જે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે હતી. આ અરજીઓ પૈકી માત્ર છનો જ નકારાત્મક નિકાલ થયો હતો. એ જ રીતે જૂન ૨૦૨૩માં ૧૫૩ અરજીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મળી હતી અને તેનું પ્રમાણ રાજ્યમાં બીજા ક્રમે હતું. ૧૫૩માંથી માત્ર એક જ અરજીનો નિકાલ નકારમાં થયો હતો. જુલાઇ માસમાં ત્રણે શ્રેણીમાં રાજ્યમાં વડોદરા અગ્રેસર રહ્યું હતું.
આ ઉપરાંત ૧૭૬ અરજી સાથે ગ્રામ સ્વાગતમાં ચોથા ક્રમે, ૨૧૩ અરજીઓ સાથે તાલુકા સ્વાગતમાં પ્રથમ અને ૨૬ અરજીઓ સાથે જિલ્લા સ્વાગતમાં પ્રથમ ક્રમે રહ્યું હતું. ફેબુ્રઆરી ૨૩ના ગ્રામ સ્વાગતમાં માત્ર એક જ અરજી હતી, તેની સામે સપ્ટેમ્બરમાં ૧૨૫ રજૂઆતો મળી હતી. ગત્ત એપ્રિલમાં ૧૩૨૬ અરજીઓ મળી હતી. તેમાં માત્ર એકનો નકારાત્મક નિકાલ કરવો પડયો હતો.
ગત ફેબુ્રઆરીથી સપ્ટેમ્બર સુધીના આંકડાઓ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો આ આઠ માસમાં ગ્રામ સ્વાગતમાં કુલ ૧૯૫૪ અરજીઓ મળી હતી. જેમાંથી માત્ર ૦.૭૦ ટકા એટલે કે ૧૫ રજૂઆતોનો નકારમાં નિકાલ કરાયો હતો. આ જ સમયગાળા દરમિયાન તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૪૭૬ રજૂઆતો મળી તેમાંથી ૦.૫૪ ટકા, અર્થાત ૮ અરજીઓનો સકારાત્મક ઉકેલ લાવી શકાયો નહોતો. જ્યારે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મળેલી તમામ ૧૪૪ અરજીઓનું નિરાકરણ લાવી શકાયું હતું.