વડોદરામાં કાળઝાળ ગરમીને કારણે કરજણ અને વાઘોડિયાના યુવકનું શંકાસ્પદ મોત
Heatwave Death in Vadodara : કુહાડીની શોધ કરીને વિકાસના નામે વૃક્ષનો સોથ બોલાવતા માનવી પોતાનો જ વિનાશ નોતરે છે. ગરમીનો પારો વધતા કરજણ અને વાઘોડિયાના બે યુવકોના શંકાસ્પદ મોત નીપજ્યા હતા. જ્યારે સયાજી હોસ્પિટલમાં 14 પુરુષ અને ચાર મહિલા સહિત 18 અસરગ્રસ્તો સારવાર લઇ રહ્યા છે.
મળતી વિગત મુજબ વધતી જતી ગરમીના કારણે કરજણની વલીનગરીમાં રહેતા 27 વર્ષના કિશન શંકર રાઠોડ 26મી તારીખે સાંજે 7:40 કલાકે પોતાના ઘરે હતા ત્યારે અચાનક તેમને ખેંચ આવી હતી. તેને કારણે તેમને કરજણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને ગરમીના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું.
જ્યારે શહેરના સોમા તળાવ પાસે રહેતા રણજીત સુમન તડવી ઉંમર 41 વાઘોડિયા તાલુકાના પૌલયપુર ગામના એ-વન કાફેમાં કામ કરતા હતા ત્યારે છતના પતરાપર તાડપત્રી બેસાડતી વખતે ગરમીના કારણે તેમનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. વાઘોડિયા પોલીસના કહેવા અનુસાર કદાચ વીજ કરંટ પણ લાગ્યો હોય તેવું અનુમાન છે.
જ્યારે હોસ્પિટલમાં વીતેલા 24 કલાક દરમિયાન 14 પુરુષોને ચાર મહિલા દર્દીઓ ગરમીને કારણે સારવાર લઈ રહ્યા છે. તંત્ર દ્વારા એક અલાયદો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.