પોલીસ કમિશનર અને કલેક્ટર સામે ઇશ્યૂ થયેલું જપ્તી વોરંટ સ્થગિત
આગામી ૨૫ મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે
વડોદરા,પોલીસ કમિશનર તથા કલેક્ટર સામે જારી કરવામાં આવેલા જપ્તી વોરંટને અદાલતે સ્થગિત કરી દીધું છે. જ્યારે કેસની વધુ સુનાવણી આગામી ૨૫ મી તારીખે હાથ ધરવામાં આવશે.
ગણપતિ વિસર્જન દરમિયાન માંડવી ગેંડીગેટ રોડ પટોળીયા પોળ પાસેથી જયવંત રામનારાયણ જોશી તા. ૪/૯/૧૯૯૦ના રોજપસાર થતા હતા. ત્યારે તોફાનમાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા.
તેેમના મોત બાદ પરિવારજનોએ વળતર માટે દાવો કર્યો હતો. કોર્ટે રૃ.૩,૫૫,૦૦૦ અને ૬ ટકા વ્યાજ વર્ષ ૧૯૯૦થી ગણીને ચૂકવવાનો હુકમ કર્યો હતો. પોલીસ કે કલેક્ટર દ્વારા તેમના પરિવારજનોને કોર્ટના હુકમ પ્રમાણે વળતર અને વ્યાજની રકમ ચૂકવવામાં આવી જ નહીં અને તે રકમ રૃ.૧૦. ૪૪ લાખ સુધી પહોંચી ગઇ હતી. જેની દરખાસ્ત કોર્ટમાં દાખલ થતાં જજ દ્વારા પોલીસ કમિશનર અને કલેક્ટરને ૧૫ વખત નોટિસ આપી હાજર રહેવા કાર્યવાહી કરી હતી. પરંતુ બંને અધિકારી હાજર રહ્યા નથી. છેવટે જજે તારીખ ૮/ ૭/ ૨૦૨૪ ના રોજ પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટર સામે મિલકત જપ્તીનું વોરંટનું જારી કર્યું હતું. જે અંગે આજે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, સરકાર તરફે અપીલ દાખલ કરવામાં આવી છે. જે અનુસંધાને જપ્તીનો હુકમ સ્થગિત કરવામાં આવ્યો છે. કેસની વધુ સુનાવણી આગામી ૨૫ મી તારીખે હાથ ધરવામાં આવશે.