Get The App

રેલવેનો સસ્પેન્ડ કર્મચારી ટ્રેનમાં ઊંઘી ગયો અને દારૃ સાથે ઝડપાયો

વસઇથી દારૃની બોટલો લાવી અંકલેશ્વરના કાલુને આપવાનું નેટવર્ક

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
રેલવેનો સસ્પેન્ડ કર્મચારી ટ્રેનમાં ઊંઘી ગયો અને દારૃ સાથે ઝડપાયો 1 - image

વડોદરા, તા.7 વસઇથી ટ્રેનમાં દારૃ લાવી અંકલેશ્વરમાં ઠાલવવાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. ટ્રેનમાં દારૃનો જથ્થો લઇને આવેલો સસ્પેન્ડેડ રેલવે કર્મચારી ઊંઘી ગયો અને અંકલેશ્વરના બદલે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચતાં જ પોલીસે તેને દબોચી લીધો  હતો.

આ અંગેની વિગત એવી છે કે આજે સવારે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૨ પર અર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ટ્રેન આવી ત્યારે રેલવે પોલીસના માણસો શંકાસ્પદ પ્રવાસીઓ પર નજર રાખતાં હતાં. દરમિયાન સુરત તરફના દાદર પાસેથી એક વૃધ્ધ ખભે વજનદાર બેગ તેમજ હાથમાં કાળા રંગની ટ્રોલીબેગ લઇને જતો જણાતા પોલીસના માણસોએ તેનો સામાન ચેક કરવાનું કહેતા તે ગભરાઇ ગયો હતો. તેણે બેગમાં દારૃની બોટલ હોવાનું કહેતાં પોલીસ દ્વારા બેગ ચેક કરવામાં આવતાં અંદરથી દારૃની વિવિધ બ્રાંડની ૨૪ બોટલો મળી હતી.

પોલીસે તેનું નામ સરનામું પૂછતાં રાજુકંદ કંદસ્વામી સ્વામી (રહે.અંકલેશ્વર, મૂળ પાલી, તામિલનાડુ) જણાવ્યું હતું. દારૃના જથ્થા અંગે પૂછપરછ કરતાં વસઇમાં રહેતા નિમેષભાઇ નામના શખ્સે દારૃની બોટલો ખરીદીને આપી હતી અને આ જથ્થો અંકલેશ્વરમાં રહેતા કાલુભાઇને આપવાનો હતો. ટ્રેનમાં ઊંઘી જતા અંકલેશ્વર ઉતરવાના બદલે વડોદરા ઉતરવાનું થયું હતું. પોલીસની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ટ્રેનમાં દારૃની હેરાફેરી કરનાર રાજુકંદ વડોદરા ડીવીઝન રેલવેમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. દારૃના જથ્થાની અગાઉ હેરાફેરી કરી છે કે નહી તે અંગે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.




Google NewsGoogle News