સે-૧૭ એમએલએ ક્વાટર્સની લેબર કોલોનીમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ
ભાટના છાપરામાં રહેતી બાળકીનું મોત થયા બાદ
ચાર વર્ષનું બાળક ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળઃચાર ટીમો દ્વારા ૮૦ ઘરોમાં સર્વેલન્સઃઅન્ય ૩૦ બાળકોનું પણ સ્ક્રિનીંગ કરાયું
સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસને પગલે શહેર
અને જિલ્લાનું ફક્ત આરોગ્ય તંત્ર જ નહીં પરંતુ વહિવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું
છે. સિવિલ તથા ખાનગી હોસ્પિટલના તબીબોને પણ સેન્સેટાઇઝ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં
ખેંચ, તાવ અને ઝાડા
ઉલ્ટીની ફરિયાદ સાથે કોઇ બાળ દર્દી આવે તો તેને સઘન સારવાર ઉપર મુકીને તેના જરૃરી સેમ્પલ
પરિક્ષણ માટે મોકલી આપવા માટે પણ ગાઇડલાઇન સરકારે જાહેર કરી દીધી છે. તેવી સ્થિતિમાં
ગાંધીનગરના સેક્ટર-૧૭માં આવેલા એમએલએ ક્વાટર્સની લેબરકોલોનીમાં રહેતા મજુર પરિવારના
ચાર વર્ષિય બાળકને ગઇકાલે ખેંચ,
તાવ સહિતના લક્ષણો જણાયા હતા જેથી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યો હતો આ બાળદર્દીને ચાંદીપુરાના લક્ષણો જણાતા સિવિલના તબીબો દ્વારા તેના જરૃરી
સેમ્પલ પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સાથે સાથે બાળકને સઘન સારવાર
ઉપર રાખવામાં આવ્યો છે.
તો બીજીબાજુ કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા સે-૧૭ની આ
લેબર કોલોનીમાં સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં કુલ ૮૦ છાપરા-મકાન
બનાવવામાં આવ્યા છે જેમાં ૩૫ ઘરોમાં લોકો રહેતા હોવાનું ધ્યાને આવ્યું છેતો આ
અસરગ્રસ્ત વિસ્તારમાં ૦થી ૧૪ વર્ષના અન્ય ૧૪ બાળકો હોવાનું પણ તંત્રને ધ્યાને આવતા
તેમનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે જે પૈકી કોઇને પણ શંકાસ્પદ લક્ષણો જણાયા ન
હતા. જો કે, તંત્ર
દ્વારા આ વિસ્તારમાં ડસ્ટીંગ અને સોર્સ ડિડક્શનની કામગીરી કરવામાં આવી છે.