Get The App

ગેમ રમનારાઓમાં આક્રમકતાનુ પ્રમાણ વધારે અને ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા ઓછી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
ગેમ રમનારાઓમાં આક્રમકતાનુ પ્રમાણ વધારે અને ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા ઓછી 1 - image

વડોદરાઃ સ્માર્ટફોનનો વ્યાપ વધ્યા બાદ સોશિયલ મીડિયા અને ગેમિંગ કલ્ચર હવે યુવાઓના અને ખાસ કરીને સ્ટુડન્ટસમાં વ્યાપક બની ગયુ છે.સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ ઘણી વખત અભ્યાસના ભોગે પણ મોબાઈલ પર ગેમ રમતા જોવા મળે છે.ગેમિંગ કલ્ચરનો કેવો પ્રભાવ પડી રહ્યો છે તે જાણવા માટે એમ.એસ.યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગની એમએની વિદ્યાર્થિની વિતિકા સોનીએ વિભાગના અધ્યાપક અને ગાઈડ રિયા ભટ્ટના હાથ નીચે  રિલેશનશિપ બિટવીન માઈન્ડફૂલનેસ, એગ્રેસન, સેલ્ફ કંટ્રોલ એન્ડ ગેમિંગ વિષય  પર એક સર્વે હાથ ધર્યો હતો.

આ સર્વેના જે તારણો છે તેણે ગેમિંગ કલ્ચરને લઈને પ્રવર્તતી માન્યતાઓને વધારે મજબૂત કરી છે.સર્વે અનુસાર નિયમિત રીતે ગેમ રમનારાઓમાં આક્રમકતાનુ પ્રમાણ વધારે તેમજ ધ્યાન કેન્દ્રીત કરવાની તથા સ્વ નિયંત્રણની ક્ષમતા ગેમ નહીં રમનારાઓ કરતા ઓછી હોય છે.

વિદ્યાર્થિની વિતિકા સોનીએ આ સર્વેમાં ૧૫૦ જેટલા લોકોનો સમાવેશ કર્યો હતો.જેમાં સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરી કરનારાઓનો પણ સમાવેશ થતો હતો.વિદ્યાર્થિનીના ગાઈડ રિયા ભટ્ટનુ કહેવુ છે કે, ગેમર્સને પૂછવામાં આવેલા વિવિધ સવાલોના આધારે તેમના સ્વભાવનુ એનાલિસિસ કરીને તેમને ૧૦૦માંથી સ્કોર આપવામાં આવ્યો હતો.

સર્વેએ દર્શાવ્યુ હતુ કે, ગેમ રમનારા લોકોમાં આક્રમકતાનુ પ્રમાણ ગેમ નહીં રમનારા કરતા વધારે જોવા મળ્યુ હતુ.તેમને ૧૦૦માંથી ૫૯.૫૪ ટકાનો સ્કોર અને ગેમ નહીં રમનારાને ૪૬.૫૧ ટકાનો સ્કોર મળ્યો હતો.જ્યારે ગેમ રમનારાઓની ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા પણ ઓછી જોવા મળી હતી.આ મુદ્દા પર નિયમિત રીતે ગેમ રમનારાઓનો સરેરાશ સ્કોર ૪૮.૨૩  અને  ગેમ નહીં રમનારાઓનો સ્કોર ૫૫.૬૮ રહ્યો હતો.

પોતાના પર નિયંત્રણ રાખવાની ક્ષમતાની પણ સર્વેના ભાગરુપે ચકાસણી કરાઈ હતી. અને તેમાં પણ ગેમ રમનારા લોકોનુ જૂથ પાછળ રહ્યુ હતુ.સેલ્ફ કંટ્રોલની બાબતમાં તેમનો સ્કોર ૫૨.૧૧ ટકા અને ગેમ નહીં રમનારાઓનો સ્કોર ૬૦.૩૨ ટકા રહ્યો હતો.

આ સર્વેમાં ભાગ લેનારા અને ગેમ રમનારા લોકો પૈકી ૧૧.૯ ટકાએ કહ્યુ હતુ કે, અમે એક સપ્તાહમાં ૧૦ કલાક કરતા વધારે સમય ગેમ રમીએ છે અને ૭૩ ટકાએ જણાવ્યુ હતુ કે, સપ્તાહમાં અમે ચાર કલાકનો સમય ગેમ રમવા પાછળ વીતાવીએ છે.૪૭ ટકાએ ગેમ રમવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા હોવાનુ અને ૨૦ ટકાએ મોબાઈલ તથા બીજા ઉપકરણોનો ઉપયોગ કરતા હોવાનુ સર્વેમાં જણઆવ્યુ હતુ.લેપટોપ પર ગેમ રમનારાઓની  સંખ્યા માત્ર ૩ ટકા જેટલી હતી.


માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બગડે છે 

વધુ પડતી ગેમ રમનારા વિદ્યાથીઓ નાની-નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે

વિદ્યાર્થિનીના ગાઈડ અને સાયકોલોજીના અધ્યાપક રિયા ભટ્ટનુ કહેવુ છે કે, કોઈ પણ વ્યક્તિ કેટલા સમય માટે કયા પ્રકારની ગેમ મોબાઈલ પર રમે છે તેની અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર થતી હોય છે.વધુ પડતો સમય ગેમ રમનારાઓ અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જતા હોય છે.તેમને કેટલી ભૂખ લાગે છે તેનો પણ ખ્યાલ આવતો નથી અને ઘણી વખત તેઓ વધારે પડતુ ખાઈ લેતા હોય છે.સમયનો પણ તેમને ખ્યાલ રહેતો નથી.જેની અસર તેમના શારીરિક સ્વાસ્થ્ય પર પણ થાય છે.વિદ્યાર્થીઓ કયા પ્રકારની ગેમ રમે છે તે પણ મહત્વનુ છે.હિંસાનુ પ્રમાણ વધારે હોય તેવી ગેમ રમનારા બાળકોમાં આક્રમકતા વધે છે તો તર્ક શક્તિ અને વિચાર શક્તિને પ્રોત્સાહન આપતી ગેમ રમવાના કારણે બાળકોનુ મગજ કસાતુ હોય છે.આમ છતા ગેમિંગ પાછળ વધારે સમય બગાડવો હિતાવહ નથી.મેદાનમાં રમાતી રમતો છોડીને મોબાઈલ કે ટીવી અથવા કોમ્પ્યુટર સ્ક્રીન પર રમાતી રમતો લાંબા ગાળે નુકસાન કરે જ છે. 


Google NewsGoogle News