સરકારી જમીન પર થતાં દબાણો રોકવા ૩૯૧ હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ

૨૧૪ સરકારી જમીનોની સ્થિતિના નકશા સાથે આલ્બમ બનવા ડોક્યુમેન્ટેશન કરાયું

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
સરકારી જમીન પર થતાં દબાણો રોકવા ૩૯૧ હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ 1 - image

વડોદરા,વડોદરા શહેર અને તેની આસપાસ આવેલી સરકારી જમીન પર થતાં દબાણો અટકાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે, અને અત્યાર સુધીમાં ૨૧૪ જેટલા સર્વે નંબરમાં આવેલી સરકારી ખરાબાની જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, રાજ્યમાં પ્રથમ વખત આ તમામ સરકારી જમીનોની સ્થળ સ્થિતિ અંગેના નકશા સાથે આલ્બમ બનાવવામાં આવ્યા છે. 

સરકારી જમીનોનું પદ્ધતિસરનું દસ્તાવેજીકરણ કરવા માટે કલેક્ટરે સૂચના આપી હતી. જેને પગલે શહેર અને જિલ્લાના પ્રાંત અધિકારીઓ તથા મામલતદારોેને સરકારી  જમીનોના સર્વે કરવા તાકિદ કરાઈ હતી. મામલતદારો અને મહેસૂલી કર્મચારીઓ દ્વારા સરકારી ખરાબાની જમીન અંગે સર્વે શરૃ કરવામાં આવ્યો હતો. 

આ સર્વેની છેલ્લી સ્થિતિ મુજબ શહેરની ચારેય મામલતદાર કચેરી દ્વારા ૨૧૪ જેટલા સર્વે નંબરના આલ્બમ બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ ૩૯૧ હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. મામલતદાર (ઉત્તર)માં ૨૬ સર્વે નંબરમાં ૯૫ હેક્ટર, દક્ષિણમાં ૩૨ સર્વે નંબરની ૮૧ હેક્ટર, પૂર્વમાં ૪૨ સર્વે નંબરની ૬૮ હેક્ટર તથા (પશ્ચિમ) મામલતદાર દ્વારા ૧૧૪ સર્વે નંબરની ૧૪૭ હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. સૌથી વધુ (પશ્ચિમ) મામલતદાર અને તેમની ટીમ દ્વારા ૧૧૪ જેટલા જુદા જુદા સર્વે નંબરનો સર્વે કરવામાં આવ્યો છે. 

તમામ સર્વે નંબરનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. તેમાં સ્થળ સ્થિતિ, નકશા સાથેના આલ્બમ તૈયાર કરવામાં આવ્યા છે. આ આલ્બમના આધારે રાજ્ય સરકારની કિંમતી જમીનની માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ જશે, તથા ભવિષ્યમાં સંદર્ભ માટે કામ આવશે. સરકારી જમીન ઉપર ફેન્સિંગ કરવાની કામગીરી પણ આયોજન હેઠળ છે. સર્વે ઉપર સરકારી જમીનો ઉપર થયેલા દબાણો પણ બ્ક્કાવાર દૂર કરવામાં આવી છે, અને ૧૬૫ કરોડની જમીન ખાલી કરાવી છે. 


Google NewsGoogle News