સૂરસાગરમાં બોટિંગનો કોન્ટ્રાકટ તાત્કાલિક રદ કરતું કોર્પોરેશન
બોટિંગ બંધ રાખવાનું કહેવા છતાં પરવાનગી વિના ચાલુ રાખ્યું ઃ સ્પીડ બોટમાં લાઇફ સેવિંગ જેકેટ વિના બોટિંગ કરાવ્યું હતું ઃ ફાયર એનઓસી અને બોટના ફિટનેસ સર્ટિ. રજૂ ન કર્યા
વડોદરા, તા.31 ૧૨ માસૂમ બાળકો સહિત ૧૪ નિર્દોષોના ભોગ લેનાર હરણી બોટ દુર્ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સૂરસાગર તળાવમાં બોટિંગ બંધ કરાવીને બોટિંગ માટે ઇજારદાર સાથે કરેલો કોન્ટ્રાકટ કેટલાક શરતોનો ઇજારદારે ભંગ કરતા તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ આ અંગે હુકમ કર્યો છે અને આ હુકમની જાણ ઇજારદાર, ભાગીદારો, ડાયરેકટર કે ઓપરેટરોને કરીને હુકમ બજાવી દેવા સૂચના જારી કરી છે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા સૂરસાગર તળાવમાં ૭ વર્ષ માટે બોટિંગ શરુ કરવા સ્થાયી સમિતિએ તા.૨૬-૮-૨૦૨૨ના રોજ ઠરાવ કરી મંજૂરી આપી હતી. જેમાં તમામ શરતોનું ચુસ્ત પણે પાલન કરવાની શરતે આ માટે હુકમ તા.૨૬-૯-૨૦૨૨ થી ૭ વર્ષ માટે ઇજારદાર હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયર્સને આપ્યો હતો. બોટિંગ માટે આવતા લોકોની સંપૂર્ણ સલામતી જળવાઇ રહે તે હેતુસર ૩૮ શરતો મુકી હતી અને તેનું પાલન કરવાની શરત સાથે તા.૭-૧૦-૨૦૨૨ થી ઇજારદાર સાથે કરાર કર્યો હતો.
તા.૧૮-૦૧-૨૦૨૪ના રોજ સાંજે હરણી લેકઝોન તળાવમાં શાળાના બાળકો અને શિક્ષકો સાથેની એક બોટ પલટી જતા ૧૪ના મોત થયા હતા. જે સંદર્ભે સૂરસાગર તળાવ ખાતે બોટિંગ માટે આવતા પ્રવાસીઓની સંપૂર્ણ સલામતી જળવાઇ રહે તે અંગે ઇજારદારને પત્ર પાઠવી દર્શાવેલી તમામ વિગતો અને સુચનોની સંપુર્ણપણે પુર્તતા કરવામાં ન આવે ત્યાં સુધી બોટિંગ સંપૂર્ણ બંધ રાખવા કહ્યું હતું. તેમજ પાલિકાના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર સાથે ટીમની સભ્યો દ્વારા તા.૨૧-૧-૨૦૨૪ના રોજ સૂરસાગર તળાવ ખાતે વિઝિટ કરી હતી. જેમાં ફાયર એન.ઓ.સી. તથા પેડલ તેમજ એન્જિન વાળી બોટના ફિટનેસ સર્ટિ. ૩ દિવસમાં રજૂ કરવા સુચના આપી હતી.
તા.૨૭ જાન્યુઆરીએ બપોરે ૩ વાગ્યે સૂરસાગર તળાવ ખાતે એક સ્પીડ બોટમાં કુલ-૪ વ્યકિત સવાર થઇ તે પૈકી ફકત ત્રણેજ લાઇફ સેવિંગ જેકેટ પહેર્યા હતા અને બોટ ચલાવવામાં આવી હતી. આમ, ઇજારદાર દ્વારા સલામતી અંગેના પ્રાથમિક નિયમોનો ભંગ કરી બોટમાં સવાર સભ્યોનો જીવજોખમમાં મુકેલો હતો. એટલુંજ નહીં બોટિંગ સંપૂર્ણ બંધ રાખવા જણાવેલું હોવા છતાં તેનો ચુસ્તપણે અમલ કર્યો નહતો. કોઇપણ પ્રકારની પરવાનગી મેળવ્યા વિના ઇજારદારે સલામતીના નિયમોનો ભંગ કરી બિનઅધિકૃત રીતે બોટનો ઉપયોગ કરેલ હોઇ કરાર તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે કાર્યવાહી કેમ ન કરવી તે અંગે ૧ દિવસમાં જવાબ રજૂ કરવા જણાવેલું હતું.
આમ, કરારની અમુક શરતોનો ભંગ કરવા ઉપરાંત જરુરી કાગળો આજ સુધીમાં જમા કરાયા ન હોવા ઉપરાંત કેટલાક મુદ્દાઓની પૂર્તતા ઇજારદાર દ્વારા આજ સુધી કરવામાં આવેલ ન હતી. બોટિંગ બંધ રાખવા સૂચના આપી હોવા છતાં તા.૨૭ના રોજ સલામતીના નિયમોનો ભંગ કરી બિન અધિકૃત રીતે બોટનો ઉપયોગ કર્યો હતો. ફયાર એન.ઓ.સી. તથા પેડલ અને એન્જિનવાળી બોટના ફિટનેસ સર્ટીફીકેટ આજ સુધી રજૂ કર્યા ન હોવા ઉપરાંત ઇજારદાર દ્વારા કોઇ જવાબ રજુ કરવામાં આવેલ નહતો.
આમ આ બધું જોતા ઇજારદાર દ્વારા કરારની શરતોનો સીધો ભંગ કરવામાં આવેલ હોઇ સલામતીના કારણોસર તેમજ કરારની શરત નં.૨૮ મુજબ જો સંચાલક નિયમોનું પાલન ન કરે તો વડોદરા મહાનગરપાલિકા મુદ્દત પહેલા કરાર રદ કરી શકાશે તે મુજબ મ્યુનિસિપલ કમિશનરને બોટિંગનો ઇજારો ટર્મિનેટ કરવાની સત્તા પ્રાપ્ત થયેલી હોવાથી તેના આધારે બોટિંગનો કરાર રદ કરવા હુકમ કર્યો છે.