વડોદરામાં મંદિરો અને જાહેર સ્થળો ઉપર બોમ્બ સ્કવોડને સાથે રાખી એસ.ઓ.જી.નું સરપ્રાઈઝ ચેકિંગ
image : Filephoto
Vadodara Police : હાલમાં અન્ય દેશોમાં આંતકવાદ પ્રવૃતિ ચાલતી હોય અને કેટલાક રાજ્યો તથા જીલ્લાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની અવારનવાર ધમકીઓ મળતી હોય છે. જેને ગંભીરતાથી ધ્યાને લઇ સુરક્ષા અને સલામતીના હેતુથી તકેદારી રાખવા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે.
જે અનુસંધાને હાલમાં ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ તથા ધાર્મિક તહેવારોમાં કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને અગમચેતીના ભાગરૂપે વડોદર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા મંદિરો કે જેમાં હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસ અનુસંધાને લોકો શ્રધ્ધાપુર્વક શ્રાવણ માસની ઉજવણી કરતા હોય છે. તેમજ શ્રાવણ માસ દરમ્યાન વિવિધ મંદિરોમાં ખુબ જ મોટા પાયા ઉપર પુજા અર્ચનાના કાર્યક્રમો થતા હોય છે. જેના કારણે વિવિધ ધાર્મિક સ્થળો તેમજ જાહેર જગ્યાઓ ઉપર અસંખ્ય લોકોની અવર જવર થતી હોય ઉપરાંત હજારો લોકો ભેગા થતા હોય તે દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 10 ઓગસ્ટના રોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાતડા દ્વારા બોમ્બ સ્કવોડને સાથે રાખી ટીમ દ્વારા આધુનિક સાધનો સાથે સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ ધાર્મિક સ્થળો તેમજ ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને વડોદરા શહેરમાં ધાર્મિક સ્થળોની સુરક્ષાને લઈ ગંભીરતા દાખવી અસરકારક કામગીરી કરવામાં આવી છે.