મકરપુરા જી.આઇ.ડી.સી.ના સ્ક્રેપના વેપારીને શોધવા સુરત પોલીસના ધામા
સુરતમાં નોંધાયેલા ગુનામાં રિયાઝને હાજર કરાવવા વચેટિયો સક્રિય થયો હોવાની ચર્ચા
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી. માં સ્ક્રેપનો વેપાર કરતા વેપારીને પકડવા માટે સુરત હજીરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આજે વડોદરા આવ્યો હતો. સ્થાનિક પોલીસની મદદ લઇ તેને પકડવા માટે મોડી રાત સુધી પોલીસે તપાસ કરી હતી. પરંતુ, તે પકડાયો નહતો.
બનાવની મળતી માહિતી મુજબ, સુરતના હજીરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એક ગુનામાં સ્ક્રેપના વેપારીને પકડવા માટે સુરત પોલીસ રવિવારે વડોદરા આવી હતી. આજે બપોરથી સ્થાનિક પોલીસની મદદ લઇ સુરત પોલીસે મકરપુરા જી.આઇ.ડી.સી.માં તપાસ કરી હતી. રિયાઝ નામના સ્ક્રેપના વેપારીને શોધવા માટે પોલીસે તેના આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી. પોલીસે મકરપુરા જી.આઇ.ડી.સી.માં પણ તેના ધંધાના સ્થળે તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવ્યો નહતો. રિયાઝ નામનો સ્ક્રેપનો વેપારીને શોધવા માટે સ્થાનિક પોલીસને યાદી લખી સુરત પોલીસ રવાના થઇ હતી. સ્ક્રેપના વેપારીને પકડવા માટે સુરતની પોલીસ આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. માંજલપુર પોલીસે જણાવ્યું હતું કે, સુરતની પોલીસ સાથે અમારા સ્ટાફે પણ મોડા સુધી રિયાઝની તપાસ કરી હતી.
જોેકે, વિસ્તારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, મોડીરાતે રિયાઝને વડોદરાથી લઇને એક વચેટિયો સુરત જવા રવાના થયો છે. સુરત પોલીસ અને માંજલુપર પોલીસને નહીં મળેલો રિયાઝ હવે સીધો હજીરા પોલીસ સ્ટેશનમાં જ હાજર થઇ જશે.