દેણા ચોકડી પાસે સુરતના પરિવારની કારને અકસ્માત : ચારને ઇજા

આજવા ચોકડી પાસે ટ્રેલર ફરી વળતા બાઇક સવારનું માથું છુંદાઇ જતા મોત

હાઇવે બન્યો અકસ્માત ઝોન : ચાર દિવસમાં ં બે ના જીવ ગયા

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
દેણા ચોકડી પાસે સુરતના પરિવારની કારને અકસ્માત : ચારને ઇજા 1 - image

વડોદરા,રવિવારે મધરાતે ગોલ્ડન ચોકડી પાસે થયેલા બે અકસ્માતમાં એક યુવકે જીવ  ગુમાવ્યો હતો. જ્યારે મંગળવારે રાતે દેણા ચોકડી અને બુધવારે સવારે આજવા ચોકડી નજીક થયેલા બે અકસ્માતમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે,શહેરની ફરતે પસાર થતો હાઇવે અકસ્માત ઝોન બની ગયો છે.

સુરત પાલ વિસ્તારમાં ગેલેક્સી સર્કલ પાસે શ્રી મરૃધર રેસિડેન્સીમાં રહેતા ચિંતન નવીનચંદ્ર દેસાઇ કન્સલ્ટીંગનો ધંધો કરે છે. ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે તેઓ પરિવાર સાથે કારમાં શંખેશ્વરથી  પરત સુરત જતા હતા. રાતે સાડા આઠ વાગ્યે તેઓ દેણા ચોકડી નજીકથી પસાર થતા હતા. તે સમયે પાછળથી આવતી એક ટ્રકના ચાલકે કારને પાછળથી ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ચિંતન દેસાઇને માથા, ડાબી આંખે, મીતાબેન દેસાઇને મોંઢા તથા જમણા પગે, સોનલબેન ઝવેરીને ડાબા પગે તથા હેતલભાઇ નવીનભાઇ શાહને કમરના પાછળના ભાગે તથા મોંઢા પર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતા. ચિંતન દેસાઇની ફરિયાદના આધારે પોલીસે ભાગી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના મિશ્રાકોઠાર ગામે રહેતો મહેન્દ્રકુમાર રામકૈલાસ પાંડે હાલમાં આજવા રોડ ચાચા નેહરૃ નગરની સામે જ્ઞાાન સાગર રેસિકોમમાં પોતાના સંબંધીના ઘરે છેલ્લા પાંચ વર્ષથી રહે છે. આજે સવારે મહેન્દ્રકુમાર બાઇક લઇને આજવા ચોકડીથી જતો હતો. તે સમયે પાછળથી આવેલા એક ટ્રેલરના ચાલકે ટક્કર મારતા તે રોડ પર ફંગોળાયો હતો. ટ્રેલરના પૈંડા તેના માથા પર ફરી વળતા માથું છુંદાઇ જતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. લોકોએ ટ્રેલર ચાલકને ઝડપી લીધો હતો. બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ટ્રેલર ચાલકની ધરપકડ કરી છે.


Google NewsGoogle News