સુરત ક્રાઇમ બ્રાંચના પી.આઇ.ની કારને હાઇવે પર અકસ્માત

ડ્રાઇવર સીટ પર ફસાઇ ગયેલા પી.આઇ.ને વાહન ચાલકોએ મહામહેનતે બહાર કાઢ્યા

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સુરત ક્રાઇમ બ્રાંચના પી.આઇ.ની કારને હાઇવે પર અકસ્માત 1 - image

વડોદરા,હાઇકોર્ટની મુદ્દત પૂરી કરીને પોતાની કારમાં અમદાવાદથી સુરત પરત જતા સુરત ક્રાઇમ બ્રાંચના  પી.આઇ.ની કારને પાછળથી લક્ઝરી બસના ડ્રાઇવરે અથાડતા તેઓને કમરના મણકામાં ફેક્ચર થઇ ગયું હતું.

ખેડા જિલ્લાના ત્રાજ ગામમાં રહેતા અને હાલમાં સુરતના અડાજણ વિસ્તારમાં પ્રસંગ રેસિડેન્સીમાં રહેતા નીરવ ભૂપેન્દ્રભાઇ બારોટ સુરત ક્રાઇમ બ્રાંચમાં પી.આઇ. છે. ગઇકાલે તેઓ સુરત ડીસીબી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાના કામે હાઇકોર્ટમાં દાખલ થયેલી જામીન અરજી સંદર્ભે  ગયા હતા. હાઇકોર્ટની મુદ્દત પૂરી કરીને તેઓ પોતાની કારમાં અમદાવાદથી સુરત પરત જઇ રહ્યા હતા. રાતે સાડા દશ વાગ્યે નેશનલ હાઇવે જગદીશ ફરસાણ પાસે આજવા બ્રિજ પહેલા રોડ પરથી તેઓ પસાર થતા હતા. તે સમયે તેમની કારની પાછળ એક લક્ઝરી બસના ડ્રાઇવરે અથાડતા તેમની કાર આગળ જતી ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. અકસ્માતના કારણે કારનો પાછળનો ભાગ તથા બોનેટ દબાઇ જતા તેઓ કારમાં ડ્રાઇવર સીટ પર ફસાઇ ગયા હતા. રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ ઉભા  રહીને તેઓને કારમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતના  પગલે લક્ઝરી બસનો ડ્રાઇવર સ્થળ પર બસ છોડીને ભાગી ગયો હતો. પી.આઇ.ને માથામાં, કમરમાં તથા પગના ઘુંટણમાં ઇજા થઇ હતી. બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News