બીકોમ ઓનર્સના બીજા સેમમાં નાપાસ 1500 વિદ્યાર્થીઓની 8 ઓક્ટોબરથી પરીક્ષા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સના બીજા સેમેસ્ટરમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા તા.૮ ઓક્ટોબરથી લેવામાં આવશે.આ પરીક્ષાની ફી ભરવા માટે આજથી પોર્ટલ ખોલવામાં આવ્યું છે.
નવી શિક્ષણ નીતિને આગળ ધરીને સત્તાધીશોએ એક પણ વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓ ત્રીજા સેમેસ્ટરમાં ભણી ન હીં શકે.આવા વિદ્યાર્થીઓને પાસ થવા માટે વધુ એક તક આપવા પૂરક પરીક્ષા લેવાનો નિયમ યુનિવર્સિટી સત્તાધીશોએ અમલમાં મૂકયો છે.સાથે સાથે એન્ડ સેમેસ્ટર પરીક્ષાનું પરિણામ આવે તેના પંદર દિવસમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લઈ લેવામાં આવે તેવો આદેશ પણ કર્યો છે.
જોકે કોમર્સ અને આર્ટસમાં પૂરક પરીક્ષા લેવામાં આવી નથી.કોમર્સ ફેકલ્ટીમાં તો સત્તાધીશોએ બીજા સેમેસ્ટરમાં નાપાસ થયેલા ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધી ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરવાની છૂટ આપી છે.જોકે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ત્રીજા સેમેસ્ટરમાં ના ભણી શકે તેવા નિયમને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા થઈ રહેલા ઉહાપોહના કારણે સત્તાધીશોએ હવે રહી રહીને પૂરક પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.
મળતી વિગતો પ્રમાણે નવરાત્રી દરમિયાન તા.૮ ઓક્ટોબરથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે.તેના કારણે બીજા સેમેસ્ટરમાં પાસ થઈને ત્રીજા સેમેસ્ટરમાં અત્યારે ભણી રહેલા વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષાની તારીખો નક્કી કરવામાં વિલંબ થઈ રહ્યો છે.કારણકે બીજા સેમેસ્ટરની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ઈન્ટરનલ પરીક્ષા માટે ગણતરીમાં લેવા પડશે.આ અંગે વધુ જાણકારી માટે કોમર્સ ફેકલ્ટીના ડીનનો સંપર્ક થઈ શક્યો નહોતો.
પૂરક પરીક્ષા લેવાની નીતિ પર પુનઃ વિચારણા જરુરી
અધ્યાપકોનો મોટાભાગનો સમય પરીક્ષા લેવામાં જશે
યુનિ.ની નીતિના કારણે નાપાસ વિદ્યાર્થીઓ પાસ થયેલા વિદ્યાર્થીઓને બાનમાં લેતા હોય તેવો ઘાટ
કોમર્સ ફેકલ્ટીના એક અધ્યાપકે કહ્યું હતું કે, નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરી પૂરક પરીક્ષા લેતા પહેલા અન્ય યુનિવર્સિટીઓમાં આ પ્રકારની નીતિ છે કે નહીં તેનો સર્વે કરવાની જરુર છે.કારણકે રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનો નિયમ નથી બનાવાયો.જો નાપાસ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવા માટે પૂરક પરીક્ષા લેવાની નીતિ ચાલુ રહેશે તો કોમર્સ ફેકલ્ટીમાં અધ્યાપકોનો મોટા ભાગનો સમય પરીક્ષા લેવામાં અને પરિણામ જાહેર કરવામાં જ જશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને કાં તો ઘરે બેસીને પરીક્ષા આપ્યા બાદ આગળના સેમેસ્ટરમાં જવા દેવા માટેનો નિયમ બનાવવો જોઈએ અથવા તો તેમને આગળના સેમેસ્ટરમાં ભણવાની સાથે સાથે નિયમિત રીતે લેવાતી પરીક્ષામાં નાપાસ થયેલા વિષય ક્લીયર કરવાની મંજૂરી આપવી જોઈએ.બાકી પૂરક પરીક્ષા લેવાની નીતિના કારણે તો નાપાસ વિદ્યાર્થીઓ પાસ થયેલા વિદ્યાર્થીઓને બાનમાં લે તેવી સ્થિતિ સર્જાઈ રહી રહી છે.