કોટણામાં ગેરકાયદે ખનન તેમજ મોલેથામાં ગ્રેવલ ભરેલા ડમ્પર સીઝ
બે સપ્તાહમાં કુલ રૃા.૨.૨૦ કરોડના વાહનો જપ્ત કરી રૃા.૬૩.૮૧ લાખનો દંડ ફટકારાયો
વડોદરા, તા.29 વડોદરા જિલ્લામાં ગેરકાયદે ખાણકામ અને ખનિજનું વહન કરતાં તત્વોને ઝડપી પાડવા માટે ખાણ ખનિજ વિભાગે વ્યાપક દરોડા પાડયા હતાં. શહેર નજીક કોટણામાં મહી નદીમાં રેતીનું ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું જ્યારે શિનોર તાલુકાના મોલેથા ગામેથી રોયલ્ટીપાસ વગર ગ્રેવલ ભરેલું ડમ્પર ઝડપાયું હતું.
આ અંગેની વિગત એવી છે કે કોટણા ગામ પાસે મહી નદીમાં ફાળવેલી લીઝની હદ બહાર મોટી સંખ્યામાં રેતીખનન કરવામાં આવે છે તેવી માહિતીના આધારે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આજે સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. ખાણખનિજ વિભાગે એક જેસીબી, હિટાચી મશીન, ટ્રેકટર અને બે ડમ્પર મળી કુલ રૃા.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખનન માટેનો મુદ્દામાલ નંદેસરી પોલીસ સ્ટેશનમાં મૂકી દંડની રકમ ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન વડોદરા જિલ્લા ખાણખનિજ દ્વારા પણ ખનિજના ગેરકાયદે ખનન અને વહન સામે કાર્યવાહી કરાઇ હતી. શિનોર તાલુકાના મોલેથા ગામે રોયલ્ટીપાસ વગર ગ્રેવલ લઇને જતાં એક ડમ્પરને કબજે કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસમાં કુલ રૃા.૨.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને દંડ પેટે કુલ રૃા.૬૩.૮૧ લાખની વસૂલાત કરાઇ હતી. છેલ્લા એક સપ્તાહમાં ગેરકાયદે ખનનના ચાર કેસ અને વહનના ૧૨ કેસો કરવામાં આવ્યા હતાં.