આકરી ગરમી અને મોંઘવારીના માર વચ્ચે આજથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
વડોદરાઃ આકરી ગરમી અને મોંઘવારીના માર વચ્ચે તા.૧૩, ગુરુવારથી વડોદરા શહેર અને જિલ્લાની તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.
એક તરફ કાળઝાળ ગરમી છે ત્યારે સરકારના શિક્ષણ વિભાગે જડ વલણ અપનાવીને વાલીઓથી માંડીને શાળા સંચાલકોએ એક સપ્તાહ વેકેશન લંબાવવા માટે કરેલી અપીલ કાને ધરી નથી.બીજી તરફ ચોમાસાના આગમનની આગાહીઓ વચ્ચે પણ ગરમી તો યથાવત જ છે.સ્કૂલોમાં એક પંખા નીચે એક વર્ગમાં ૬૦ થી ૬૫ વિદ્યાર્થીઓને અભ્યાસ શરુ કરવાનો વારો આવશે અને શરીર નીચોવી નાંખે તેવા ઉકળા અને ગરમીમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગના પાપે દયાજનક સ્થિતિમાં ભણવાનુ શરુ કરશે.
બીજી તરફ વાલીઓ પર નવુ શૈક્ષણિક સત્ર મોંઘવારીનો માર લઈને આવ્યુ છે. સ્કૂલોએ તો ફી વધારી જ દીધી છે પણ તેની સાથે સાથે પાઠય પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.સ્કૂલવર્ધીની રીક્ષાઓ અને વાનના ભાડા પણ મહિને ૧૦૦ રુપિયાથી માંડીને ૨૦૦ રુપિયા સુધી વધી જવાના છે.યુનિફોર્મના ભાવમાં વધારો નથી થયો તેવુ વેપારીઓનુ કહેવુ છે.સ્કૂલબેગના ભાવ પણ ગત વર્ષના મુકાબલે ખાસ વધ્યા નથી પણ સ્કૂલ બેગના માર્કેટમાં આવેલી નવી નવી વેરાઈટીઓના કારણે વિદ્યાર્થીઓ જો પસંદગીની સ્કૂલ બેગ લેવાની જીદ પકડશે તો વાલીઓનુ ખિસ્સુ વધારે હળવુ થશે તે પણ નિશ્ચિત છે.
શૈક્ષણિક વર્ષની શરુઆતમાં એમ પણ વાલીઓને પોતાના ઘરખર્ચના બજેટનો ધરખમ હિસ્સો બાળકોના સ્કૂલોના ખર્ચામાં ડાયવર્ટ કરવો પડતો હોય છે.આમ છતા શૈક્ષણિક વર્ષ શરુ થવાની પૂર્વ સંધ્યાએ સ્ટેશનરી, યુનિફોર્મની દુકાનો પર વાલીઓ અને વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
વાલીઓ પર સૌથી મોટો બોજો ફી વધારાનો
વાલીઓ પર સૌથી વધારે આર્થિક બોજો ફી વધારાનો આવશે.સરકારે નક્કી કરેલી ફી મર્યાદામાં ફી લેનારી સ્કૂલોને તો દર વર્ષે ૧૦ ટકા ફી વધારવાની મંજૂરી મળતી જ હોય છે પણ તેની સાથે સાથે બીજી પણ સ્કૂલોએ યેન કેન પ્રકારે ફી વધારી દીધી હોવાની બૂમો પડી રહી છે અને વાલીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ફી વધારાનો બાજો સહન કરવો જ પડશે.
૧૦૦ પાનની નોટબૂક ૭૨ પાનની થઈ ગઈ, ભાવ ૨૦ થી વધીને ૩૦ થયો
પાઠય પુસ્તકના વિતરણ સાથે સંકળાયેલા પરશુરામભાઈ કહે છે કે, સરકારે મંજૂર કરેલા પાઠય પુસ્તકો પૈકી મોટાભાગના બજારમાં આવી ગયા છે.જેના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો છે.જોકે પાઠય પુસ્તકોની મૂળ કિંમત ઓછી હોવાથી વાલીઓને તેનો બોજો તો વધારે નહીં લાગે પણ ખાનગી પ્રકાશનોએ સ્ટડી મટિરિયલના ભાવમાં કરેલા ૩૦ ટકા સુધીના વધારાના કારણે વાલીઓને તેના માટે વધારે પૈસા ખર્ચવા પડશે.નોટબૂકો અને ચોપડાના ભાવમાં પણ ૨૦ થી ૩૦ ટકાનો વધારો છે.પહેલા તો ૧૦૦ પાનની નોટ બૂક ૨૦ રુપિયાની આસપાસમાં મળતી હતી અને હવે ૧૦૦ પાનના ૭૨ પાન થઈ ગયા છે અને ભાવ વધીને ૩૦ રુપિયા સુધી પહોંચ્યો છે.
સ્કૂલ વર્ધીના વાહનોના ભાડામાં દર મહિને ઓછામાં ઓછો ૧૦૦ રુપિયાનો વધારો થશે
અલગ અલગ રુટ પર વડોદરામાં સ્કૂલ વર્ધીના ૧૧૦૦૦ જેટલા વાહનો દોડે છે.જેમાં મોટાભાગની વાન અથવા રીક્ષાઓ છે.આ વાહનોના ભાડામાં પણ વધારો થયો છે.સ્કૂલ વર્ધી વાહન ચાલક એસોસિસેએશન તથા વડોદરા ઈન્ટુકના પ્રમુખ જીવણભાઈ ભરવાડનુ કહેવુ છે કે, અમે ઉચ્ચક ૧૦૦ રુપિયા ભાવ વધારવાનુ નક્કી કર્યુ છે.વડોદરામાં સ્કૂલ વર્ધીના વાહનનુ ઓછામાં ઓછુ માસિક ભાડુ ૬૦૦ રુપિયા અને વધારેમાં વર્ધે ૨૦૦૦ રુપિયા જેટલુ છે.પણ વાલીઓ પર બોજો ના આવે એટલે અમે ઉચ્ચક બાળક દીઠ મહિને ૧૦૦ રુપિયા વધારવાનો નિર્ણય લીધો છે.
જોકે જાણકારોનુ કહેવુ છે કે, સ્કૂલ વર્ધીના તમામ ચાલકો આ નિર્ણયને માન્ય રાખશે કે તે એક સવાલ છે.કારણકે દૂરના અંતરના સ્કૂલ વર્ધીના ચાલકોને વાહન ચલાવવાનો ખર્ચ વધારે હોવાથી તે વાલીઓ પાસે તેના કરતા વધારે પણ ભાડુ માંગી શકે છે.
શર્ટ,ટાઈ, મોજા, બેલ્ટ સાથે યુનિફોર્મની બે જોડી ૨૫૦૦ થી ૩૦૦૦ની
યુનિફોર્મનો વેપાર કરતા સંજયભાઈ કહે છે કે, યુનિફોર્મમાં પેન્ટ, શર્ટ, ટાઈ, મોજા, બેલ્ટ અને ટી શર્ટની ગણતરી કરવામાં આવે તો બે જોડીનો ભાવ ૨૦૦૦ થી ૨૫૦૦ રુપિયા થાય છે.વિદ્યાર્થી ધો.૧૦ થી ૧૨ના હોય તો કિંમત ૩૦૦૦ રુપિયા સુધી પહોંચી શકે છે.આ ઉપરાંત સ્કૂલ યુનિફોર્મના ભાગરુપે શૂઝની કિંમત તો અલગ.મોંઘવારીની અસર ઘરાકી પર છે.યુનિફોર્મના ભાવ વધ્યા નથી પણ બીજા ભાવ વધારાના કારણે બજેટનુ બેલેન્સ જાળવવા વાલીઓ શક્ય હોય તો નવો યુનિફોર્મ ખરીદવાનુ અને જૂના યુનિફોર્મથી પાંચ-૬ મહિના બીજા ચલાવી લેવાનુ વલણ દર્શાવી રહ્યા છે.
રૃા.૪૦૦ થી ૮૦૦ની સ્કૂલ બેગની વધારે ડિમાન્ડ
સ્કૂલ બેગના વેપાર સાથે જોડાયેલા રુપચંદભાઈના જણાવ્યા પ્રમાણે મોટાભાગના મધ્યમવર્ગીય વાલીઓ ૪૦૦ થી ૮૦૦ રુપિયાની સ્કૂલ બેગ પર પસંદગી ઉતારી રહ્યા છે.જોકે સ્કૂલ બેગના ભાવમાં પણ ગયા વર્ષની સરખામણીમાં ખાસ વધારો થયો નથી પણ સ્કૂલ બેગમાં ઘણી વેરાઈટીઓ ઉપલબ્ધ છે.
ગરમી જોતા વેકેશન લંબાવવાની જરુર હતી
વડોદરા શહેર સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલના કહેવા પ્રમાણે સ્કૂલ સંચાલકોએ તો સરકારને પહેલા જ ગરમીના કારણે એક સપ્તાહ સુધી વેકેશન લંબાવવા માટે અપીલ કરેલી છે પણ જો સરકાર અમારુ ના માને તો અમે શું કરીએ.અત્યારની ગરમી જોતા તો સરકારે વેકેશન લંબાવવાની જરુર છે.ભલે પછી તેની ભરપાઈ દીવાળી વેકેશનમાં ઘટાડો કરીને કરવી પડે.