યુનિ.કેમ્પસની વિવિધ કેન્ટીનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનું સૂચન
વડોદરાઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આપેલી ગાઈડ લાઈન પ્રમાણે આગામી દિવસોમાં એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો કેમ્પસને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પ્રયાસો હાથ ધરશે.
મળતી વિગતો પ્રમાણે પ્લાસ્ટિક થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને યુજીસીએ ફરી એક વખત તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને કેમ્પસમાં પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટેની કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં યુજીસીની ગાઈડ લાઈન પ્રમાણે તમામ કેન્ટીનોમાં અને હોસ્ટેલોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવા માટેની કવાયત હાથ ધરાય તેવી શક્યતા છે.સાથે સાથે વિદ્યાર્થીઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગની આડઅસરો અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારના વર્કશોપ અને સેમિનાર પણ હાથ ધરવામાં આવી શકે છે.વિદ્યાર્થીઓ કેમ્પસમાં પ્લાસ્ટિકનો વપરાશ ના કરે અને ઘરમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.
યુજીસીએ કેમ્પસમાં શક્ય હોય તો પ્લાસ્ટિક બોટલો, પ્લાસ્ટિક બેગ અને બીજી પ્લાસ્ટિકની વસ્તુઓની જગ્યાએ વૈકલ્પિક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પણ સૂચન કર્યું છે અને તેના પર પણ અમલ કરવામાં આવશે.સાથે સાથે યુનિવર્સિટી દ્વારા ઉન્નત ભારત અભિયાન હેઠળ દત્તક લેવાતા ગામડાઓમાં પણ વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક મુકત ગામ માટે અભિયાન હાથ ધરશે તથા લોકોમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.