વડોદરા જિ.પંચાયતમાં ઉત્તરવહી ખરીદીમાં કૌભાંડઃ ગત વર્ષ કરતાં 2 વિદ્યાર્થી વધ્યા પણ ખર્ચ 40 લાખ ઘટી ગયો
Vadodara Answer Sheet Fraud : વડોદરા જિલ્લા પંચાયતની પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ખરીદવામાં આવતી ઉત્તરવહીમાં રૂ.40 લાખના કૌભાંડના આક્ષેપો બાદ રચાયેલી તપાસ સમિતિનો રિપોર્ટ રાજ્યના શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો છે. જો કે આ રિપોર્ટમાં રાખવામાં આવેલી ગુપ્તતા શંકાના વમળો સર્જી રહી છે.
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક વિભાગના બાળકો માટે ઉત્તરવહી ખરીદવામાં આવે છે. જેમાં કોંગ્રેસના વડુ ગામના સદસ્યએ ત્રણ મહિના પહેલાં રૂ.40 લાખના ખરીદી કૌભાંડના આક્ષેપો કરતાં જિલ્લા વિકાસ અધિકારીએ થોડા સમય પહેલાં એક તપાસ સમિતિ બનાવી હતી.જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી,હિસાબ અધિકારી અને ચીટનીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી બની કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં 67 ટકા જેટલો વધારો
પંચાયતના સદસ્યએ કૌભાંડ અંગે એવી ગંભીર રજૂઆત કરી હતી કે,વર્ષ-2023-24માં કુલ 92,957 વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી પાછળ રૂ.69.47 લાખનો ખર્ચ થયો હતો.જ્યારે,આ વર્ષે (2024-25)માં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 2 જ વધી છે. પરંતુ ઉત્તરવહીનો ખર્ચ રૂ.40 લાખ ઘટીને સીધો રૂ.29.77 લાખ થયો છે.જેથી ગયા વર્ષે મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
ઉપરોક્ત ચર્ચાસ્પદ પ્રકરણમાં જિલ્લા પંચાયતની તપાસ સમિતિએ તેનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા વિકાસ અધિકારીને સોંપ્યો હોવાની અને તેમણે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગને રિપોર્ટ મોકલી આપ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. પ્રાથમિક તબક્કે આ રિપોર્ટમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ જે રીતે રિપોર્ટ માટે ગુપ્તતા સેવાઇ રહી છે તે જોતાં કૌભાંડીઓને છાવરવાના પ્રયાસ થઇ રહ્યા હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે.