વડોદરા કોર્પોરેશનના અંદાજપત્રની સાથે સાથે ઓડિટ રિપોર્ટનો પણ અભ્યાસ જરૂરી : એક જ કામના બે વખત બિલો બને છે
વડોદરા,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજપત્રની સાથે ખરેખર ઓડિટર રિપોર્ટનો પણ અભ્યાસ થવો જરૂરી છે કારણ કે ઓડિટ રિપોર્ટમાં એકના એક કામના બે વખત બિલો બન્યાનું જણાઈ આવ્યું છે.
પાલિકામાં બજેટની ચર્ચા ટાણે કોંગ્રેસના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, બજેટમાં ઓડિટ રિપોર્ટ અત્યંત મહત્વના હોય છે. પરંતુ આપણે એને ઘણી વખત નજર અંદાજ કરીએ છીએ. ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાક કામના એકના એક બીલો બે વાર રજુ થયા છે. તેમજ કેટલાક બીલોમાં જે રકમની મર્યાદા છે તેનાથી વધુ રકમના બિલો ઇજારદાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આવી રીતે જો ઇજારદારને વધુ નાના ચૂકવાઇય તો પાલિકાને બિનજરૂરી આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
બજેટ સભા દરમિયાન કોંગ્રેસના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ત્રણમાં રોડની કામગીરી માટે જે.પી.કન્સ્ટ્રક્શનનું ફાઇનલ બિલ નંબર 1122 તથા બીલ નંબર 1123 અનુક્રમે રૂપિયા 95,344 અને રૂપિયા 96,113નું તારીખ 21 માર્ચ 2023ના રજૂ કરવામાં આવેલ હતું. બિલની કામગીરી એકજ હોવા અંગે તેમજ પીઆરઓ દ્વારા અપાયેલ જાહેરાત સાથે તેને સરખાવતા કામ એક જ હોવાની પૂર્તતા થઈ હતી. જેથી ઓડિટ વિભાગે તે બિલ મંજૂર ન કરી તેની સામે વાંધો લઈ બિલ પરત મોકલ્યા હતા. તેવી જ રીતે, વોર્ડ નંબર 19માંથી વડોદરા કન્સ્ટ્રક્શન સર્વિસીસનું ફાઇનલ બિલ ઓડિટ વિભાગને રૂ.2,48,532નું મળ્યું હતું. તપાસ દરમિયાન એમ.બી.માં દર્શાવેલ કામગીરીના સ્થળો તેમજ માપો ઓડિટ કચેરીએ અગાઉ આવેલ બિલ ઓડિટ રૂપિયા 2,48,532 મુજબ એક સરખા હોવાનું સ્પષ્ટ થયું હતું. તેથી ઓડિટ વિભાગે બિલ પરત કર્યું હતું. બિલ અંગે ખાતા દ્વારા કોઈ પૂરતા થઈ નથી.
વોર્ડ નંબર 19માંથી ડગલી એસોસિએશનનું ફાઇનલ બિલ 2,49,309 મંજૂરી માટે ઓડિટ વિભાગને મોકલવામાં આવ્યું હતું. બિલની કુલ રકમ રૂ.9,86,817 થતી હોય જે મંજૂર કરેલ ઇજારાની નાણાકીય મર્યાદા રૂપિયા 9,75,000થી વધતી હોય રૂપિયા 11,817ની ખાતા મારફતે કપાત કરવા ઓડિટ વિભાગે સૂચન કર્યું હતું. વોર્ડ નંબર પાંચમાં એન્જિનિયરિંગ વિભાગમાં વિવિધ રસ્તાઓ પર ખોદવામાં આવેલ પાણીની લાઈન તેમજ વરસાદી ગટરની ચરિયો દુરસ્તી કરવાના કામે વાર્ષિક ઈજારદાર ઓડેદરા કન્સ્ટ્રક્શન કંપનીનું ફાઇનલ બિલ રૂ.5,47,794 મંજૂરી માટે રજૂ થયેલ. કામગીરી પેટેનો અંદાજ રૂપિયા પાંચ લાખનો મંજૂર કરવામાં આવેલ હતો. જ્યારે ટેન્ડરમાં સ્ટાર રેટની જોગવાઈ મુજબ રૂપિયા પાંચ લાખ સુધીના અંદાજિત કિંમતના કામમાં ડામરનો ભાવ તફાવત ચૂકવવાનો કે વસૂલવાનો રહેશે નહીં તેવું ઠરાવેલ હતું. તેમ છતાં બિલમાં સ્ટાર રેટની રકમ રૂપિયા 55,496નો આકાર કરેલ હતો. તેથી ઓડિટ વિભાગે તે સમયે વાંધો લીધો હતો. જેથી વધારાની રકમની કપાત કરવાનું સૂચવ્યું હતું.
વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના કુલ 14 રોજિંદારી કર્મચારીઓ કાયમી થતાં તેઓનો પગાર તફાવત પત્રક રજૂ થયું હતું. જે તપાસણી અર્થે ઓડિટ વિભાગમાં રજૂ થતા કર્મચારીઓએ ભોગવેલ બિન પગારી રજાની કપાત કરી ન હતી. જેથી ઓડિટ વિભાગે વોર્ડ 4માં 89,532 અને વોર્ડ 5માં રૂપિયા 68,533ની કપાત કરવાનું સૂચન કર્યું હતું.
વોર્ડ નંબર 6ના સેનેટરી વિભાગના કર્મચારી લીલાબેન રાયા વય નિવૃત થતા ખાતા દ્વારા પગાર પત્રકેથી નામ કમી કરવાનું ફોર્મ સમય મર્યાદામાં ન ભરવાથી પગાર પત્રકમાં પૂરો પગાર થઈ ગયેલ. તેની રકમ રૂ.56,180ની કપાતની ઓડિટ વિભાગે નોંધ લીધી હતી. વોર્ડ નંબર 4ના એન્જિનિયરિંગ વિભાગના પગાર પત્રકમાં નુર્મ વિભાગના બે કર્મચારી દૃષ્ટિ બ્રહ્મભટ્ટ અને દર્શના ચૌહાણના પગારમાં ફેરફાર થવાના કારણે નુર્મ વિભાગના બદલે એન્જિનિયરિંગ વિભાગમાં થયેલ. જેની રકમ રૂપિયા 40 હજારની કપાત કરવાનું ઓડિટ વિભાગે સૂચવ્યું હતું.