Get The App

14 ઓક્ટોબરથી સ્કૂલો અને યુનિવર્સિટીમાં પરીક્ષા, વિદ્યાર્થીઓ ગરબે ઘૂમવાની સાથે પરીક્ષાની તૈયારી કરશે

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
14 ઓક્ટોબરથી સ્કૂલો અને યુનિવર્સિટીમાં પરીક્ષા, વિદ્યાર્થીઓ ગરબે ઘૂમવાની સાથે પરીક્ષાની તૈયારી કરશે 1 - image

Exam After News: નવરાત્રિના પ્રારંભ સાથે જ શહેરમાં ગરબામય માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સ્કૂલો તેમજ એમ.એસ.યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં ગરબા પછી તરત જ એટલે કે 14 ઓકટોબરથી પરીક્ષાઓનો પ્રારંભ થવાનો છે.હજારો વિદ્યાર્થીઓને ગરબે ઘૂમવાની સાથે પરીક્ષાની તૈયારી કરવાનો વારો પણ આવ્યો છે.

એમ.એસ.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, કોમર્સ સહિત વિવિધ ફેકલ્ટીઓમાં તા.14થી ઈન્ટરનલ, પૂરક કે પછી એટીકેટીની પરીક્ષા શરુ થશે.કોમર્સમાં 14 ઓક્ટોબરથી એફવાય,એસવાયની મીડ સેમેસ્ટર પરીક્ષા લેવાશે.જ્યારે એફવાયમાં બીજા સેમેસ્ટરમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા તો નવરાત્રિ દરમિયાન જ એટલે કે તા.8 ઓક્ટોબરથી લેવાશે.

જોકે એક પણ ફેકલ્ટી દિવાળી વેકેશન પહેલા એન્ડ સેમેસ્ટર પરીક્ષા લઈ શકે તેવી સ્થિતિમાં નથી.કારણકે ઘણી ફેકલ્ટીઓમાં કોર્સ પૂરો થાય  તેમ નથી.14 ઓકટોબરથી ઈન્ટરનલ પરીક્ષાઓ જો ના લેવાય તો દિવાળી પછી પણ એન્ડ સેમેસ્ટર પરીક્ષા લેવાય તેમ નથી.યુનિવર્સિટીમાં તા.26 ઓક્ટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થવાનો છે.

બીજી તરફ વડોદરા શહેરની 500 કરતા વધારે સ્કૂલોમાં ચાર લાખ વિદ્યાર્થીઓની પ્રથમ કસોટીનો પણ પ્રારંભ થશે.સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ ગરબાની સાથે સાથે પરીક્ષાની તૈયારીઓ પર ધ્યાન આપવું પડી રહ્યું છે.સ્કૂલોમાં પણ પરીક્ષા પૂરી થતા જ વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન શરુ થશે.

ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે પરત ફરવાના સમયમાં ફેરફાર 

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં નવરાત્રિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિનીઓને મધરાતે 12 વાગ્યા સુધી હોસ્ટેલની બહાર રહેવાની પરવાનગી આપવામાં આવી છે.દર વર્ષે નવરાત્રિ દરમિયાન વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમી શકે  અને ગરબા જોઈ શકે તે  માટે વિદ્યાર્થિનીઓના ગર્લ્સ હોસ્ટેલમાં પાછા ફરવાનો સમય રાત્રીના નવ વાગ્યાની જગ્યાએ વધારીને 12 વાગ્યાનો કરવામાં આવે છે.હોસ્ટેલમાં લગભગ 2500 જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે.વડોદરાના નવરાત્રિ પર્વનું આગવુ આકર્ષણ હોવાથી બહારગામની વિદ્યાર્થિનીઓમાંથી ઘણી વિદ્યાર્થિનીઓ ગરબા રમવાનું પસંદ કરે છે.


Google NewsGoogle News