વડોદરામાં ધો.12 સાયન્સના 8916 વિદ્યાર્થીઓ આજે ગુજકેટ પરીક્ષા આપશે
વડોદરાઃ ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા તા.૩૧ માર્ચ, રવિવારે યોજાશે.વડોદરા શહેર અને જિલ્લામાં ૮૯૧૬ વિદ્યાર્થીઓ ગુજ કેટની પરીક્ષા આપશે.ગુજકેટ પરીક્ષા માટે એ ગુ્રપના ૪૬૨૫, બી ગુ્રપના ૪૨૫૩ અને એબી ગુ્રપના ૩૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ થી સાંજે ચાર વાગ્યા સુધીમાં ત્રણ તબકકામાં લેવાશેજેમાં પહેલા ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયની અને બાદમાં બાયોલોજી વિષયની અને એ પછી મેથ્સ વિષયની પરીક્ષા લેવામાં આવશે.વિદ્યાર્થીઓ કુલ ૧૨૦ માર્કની પરીક્ષા આપશે.
વડોદરાના ૪૩ કેન્દ્રો પર ગુજકેટ પરીક્ષા લેવામાં આવનાર છે.આ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.પરીક્ષા કેન્દ્રોની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જ્યારે પરીક્ષા કેન્દ્રની બહાર આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પણ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને રોક લગાવી છે.
સાથે સાથે પરીક્ષાના દિવસે વીજ પૂરવઠો ના ખોરવા તે માટે સવારના આઠ થી સાંજના ૬ વાગ્યા સુધી કોઈ પણ જાતનુ ખોદકામ નહીં કરવુ તેમ પણ પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવવામાં આવ્યુ છે.
રાજ્ય સરકારની મંજૂરી પ્રાપ્ત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા આપવી જરુરી હોવાથી ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે.