MSUમાં એસવાયમાં પ્રવેશ કાર્યવાહી વગર હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ, સાયન્સ અને કોમર્સ જેવી મોટી ફેકલ્ટીઓમાં હજારો વિદ્યાર્થીઓ એસવાયમાં એડમિશન વગર જ અભ્યાસ કરી રહ્યા છે.
ઓછા કર્મચારીઓના કારણે ફેકલ્ટીઓને એફવાયમાંથી એસવાયમાં આવનારા વિદ્યાર્થીઓની ફી ભરાવવામાં મુશ્કેલી પડી રહી છે.આમ આ વિદ્યાર્થીઓનું સત્તાવાર રીતે એડમિશન થયું નથી.
વિદ્યાર્થીઓ જ્યાં સુધી પોર્ટલ પર ઓનલાઈન ફી નહીં ભરે ત્યાં સુધી તેમનો રોલ નંબર પણ જનરેટ નહીં થાય.જોકે ફી ભરવાની કાર્યવાહી જ હજી સુધી હાથ ધરાઈ ન થી.ઉપરાંત વિદ્યાર્થીઓની બીજા વર્ષમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણેની વિષય પસંદગીની કાર્યવાહી પણ બાકી છે.
ફેકલ્ટીઓએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે શૈક્ષણિક કાર્ય જોકે ચાલુ કરી દીધું છે પણ વિષય પસંદગી નહીંં થઈ હોવાના કારણે વિદ્યાર્થીઓ જે વિષયમાં મરજી પડે ત્યાં લેકચર લઈ રહ્યા છે.જ્યારે સાયન્સ ફેકલ્ટીએ તો મિડ સેમેસ્ટર પરીક્ષા પણ લઈ લીધી છે.રોલ નંબર વગર પરીક્ષા લેવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં મુશ્કેલી પડી શકે છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે વાઈસ ચાન્સેલરે ગઈકાલે બોલાવેલી ફેકલ્ટી ડીન્સની બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો.