વિદ્યાર્થીઓ તાળાબંધી કરીને ધરણા પર બેઠા,એક વિદ્યાર્થિનીની તબિયત લથડતા દોડધામ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે આજે ફરી એક વખત હંગામો થયો હતો.
વડોદરાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવે તેવી માગ સાથે આજે કેટલાક વિદ્યાર્થીઓએ મેઈન બિલ્ડિંગ ખાતે દેખાવો કર્યા હતા.જોકે ફેકલ્ટી ડીન ઓફિસમાં હાજર નહીં હોવાના કારણે આ વિદ્યાર્થીઓએ મેઈન બિલ્ડિંગની તાળાબંધી કરી હતી અને આકરા તાપમાં બહાર ધરણા પર બેસી ગયા હતા.
ધો.૧૨માં ૫૩ ટકા માર્કસ હોવા છતા પ્રવેશ નહીં મળતો હોવાથી ધરણામાં બેઠેલી એક વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી.જેના પગલે તેને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થિનીને આ પહેલા પણ હોસ્પિટલમાં બીજા કારણસર સારવાર માટે દાખલ કરાઈ હતી અને તાજેતરમાં રજા અપાઈ હતી પણ ધો.૧૨ પાસ કર્યા પછી પણ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળતો હોવાના કારણે વિદ્યાર્થિની ધરણામાં સામેલ થઈ હતી.
દરમિયાન પ્રવેશ કાર્યવાહી શરુ ના કરાય ત્યાં સુધી તાળા ખોલવાનો ઈનકાર કરનારા વિદ્યાર્થીઓને હટાવવા માટે ડીને પોલીસ બોલાવી હતી.પોલીસે પૂર્વ એફઆર નિખિલ સોલંકી સહિત ત્રણ વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને જીપમાં બેસાડયા હતા અને તેમને પોલીસ મથકે લઈ જવાયા હતા.જ્યાં તેમને ચાર કલાક સુધી બેસાડી રાખ્યા બાદ છોડવામાં આવ્યા હતા.
ફેકલ્ટી ડીનનુ મોઢું કાળું કરવાની ધમકી
કોમર્સ ફેકલ્ટીમાં ધો.૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે આંદોલન છેડનાર પૂર્વ એફઆર નિખિલ સોલંકીએ આજે જાહેરમાં ધમકી આપી હતી કે, જો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાય તો હું ફેકલ્ટી ડીનનુ મોઢંુ કાળું કરીશ.જેની સામે ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, પૂરક પરીક્ષા પાસ કરનારાઓને પ્રવેશ આપવો શક્ય નથી.કારણકે અમારી પાસે વિદ્યાર્થીઓને બેસાડવાની જગ્યા પણ નથી અને તેમને ભણાવવા માટે વધારાના અધ્યાપકો પણ નથી.