વીસી બંગલાના નુકસાનની ભરપાઈ માટે 2000નું પરચૂરણ લઈ વિદ્યાર્થીઓ MSU હેડ ઓફિસ પહોંચ્યા
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલની મેસ ફી ફરજિયાત કરવા સામે આંદોલન કરનારા વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલરના બંગલામાં 2000 રૂપિયાનું નુકસાન કર્યુ હોવાનો દાવો કરીને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના આદેશ અનુસાર 200 વિદ્યાર્થીઓ સામે રાયોટિંગની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
તેની સામે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયને આ નુકસાનની ભરપાઈ કરવા માટે સોમવારે વિદ્યાર્થીઓ પાસેથી 2000 રૂપિયાનો ફાળો ઉઘરાવ્યો હતો. આજે વિદ્યાર્થીઓ 2000 રૂપિયાનું પરચૂરણ આપવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા.
જોકે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે આવેલા પીઆરઓ(ઓએસડી) પ્રો.હિતેશ રાવિયાએ આ રકમ લેવાનો ઈનકાર કરીને કહ્યું હતું કે, યુનિવર્સિટી આ પૈસા લઈ શકે નહીં. એ પછી વિદ્યાર્થીઓએ પોલીસ ફરિયાદ નોંધાવનાર સિક્યુરિટી ઓફિસર એસ.કે.વાળાને પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો. પાંચ મિનિટ સુધી યુનિવર્સિટીની હેડ ઓફિસના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ફર્યા હતા પણ એસ.કે.વાળાએ પણ પૈસા સ્વીકારવાની ના પાડી દીધી હતી.
વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, અમે આ પૈસા એટલા માટે આપવા આવ્યા છે કે, નુકસાનની ભરપાઈ થઈ જાય તો યુનિવર્સિટી સત્તાધીશો પોલીસ ફરિયાદ પાછી ખેંચી લે પણ સત્તાધીશો ફરિયાદ પાછી ખેંચવા માટે કે પૈસા લેવા માટે તૈયાર નથી. દરમિયાન પીઆરઓ(ઓએસડી) પ્રો.હિતેશ રાવિયાએ કહ્યું હતું કે, જેમની સામે ફરિયાદ થઈ છે તે વિદ્યાર્થીઓ માટે સહાનુભૂતિ છે અને આ પોલીસ ફરિયાદના મુદ્દા પર વિચારણા કરાઈ રહી છે.