કોમર્સમાં પ્રવેશની માગ કરીને ચક્કાજામ, વિદ્યાર્થીઓના લોલીપોપ સાથે દેખાવો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના વાઈસ ચાન્સેલરના ઈનકાર બાદ પ્રવેશ માટેનુ આંદોલન યથાવત રહ્યુ છે.
આજે એનએસયુઆઈના કાર્યકરોએ હેડ ઓફિસની બહાર ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો.જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.એ પછી પણ કાર્યકરો હટવા માટે તૈયાર નહોતા.જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવો પડયો હતો.પોલીસે કાર્યકરોને ટીંંગાટોળી કરીને પોલીસ જીપમાં બેસાડયા હતા.એનએસએસયુઆઈ પ્રમુખ સહિત ૬ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.એનએસયુઆઈનુ કહેવુ હતુ કે, વાઈસ ચાન્સેલરે એફવાયબીકોમમાં વડોદરાના ૧૪૦૦ વિદ્યાર્થીઓની બેઠકો વધારવાની જે વાત કરી છે તે લોલીપોપ છે.વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે.
બીજી તરફ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થીઓ લોલીપોપ સાથે એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા.જેમાં વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.વિદ્યાર્થી સંગઠનનુ કહેવુ હતુ કે, વાઈસ ચાન્સલેર ડો.શ્રીવાસ્તવે વડોદરાના ૧૪૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની લોલીપોપ પકડાવી છે અને તેના વિરોધમાં અમે લોલીપોપ આપવા માટે હેડ ઓફિસ ખાતે આવ્યા છે.જોકે વિદ્યાર્થીઓની રજૂઆત વાઈસ ચાન્સેલરે રાબેતા મુજબ સાંભળી નહોતી.ઉપરાંત યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહેલેથી જ પોલીસ અને સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી હતી.વડોદરા વાલી મંડળના સભ્યો પણ હેડ ઓફિસના દરવાજા પર આવેદનપત્ર ચોંટાડીને પાછા ફર્યા હતા.કારણકે વાઈસ ચાન્સેલર બેઠકમાં વ્યસ્ત હોવાનુ કારણ આપીને તેમને મળ્યા નહોતા.