શિષ્યવૃતિની રકમ એક વર્ષે પણ નહીં ચૂકવાતાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન
વિકસતી જાતિ કલ્યાણ ખાતાની નિયામકની કચેરીમાં સુત્રોચ્ચાર
દહેગામ તાલુકાના ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતાં અધિકારીઓ દ્વારા આખરે નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી
ગાંધીનગર : શિષ્યવૃતિની રકમ એક વર્ષે પણ નહીં ચૂકવાતાં વિદ્યાર્થીઓ
દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતાની
કચેરીમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે સુત્રોચ્ચાર કરવાની સાથે દહેગામ પંથકમાં ૨૦૦
જેટલા વિદ્યાર્થીઓને અન્યાય થિ રહ્યાની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે હોબાળો
મચાવી દેવાતાં અધિકારીઓ દ્વારા આખરે માંગણીઓ સાંભળવા સાથે નિરાકરણ લાવવાની ખાતરી
આપવામાં આવી હતી.
દહેગામ તાલુકાના અલગ અલગ ગામના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને ગત
વર્ષ ૨૦૨૩-૨૪ની મતલબ, કે ગયા
વર્ષની શિષ્યવૃત્તિ હજુ સુધી આપવામાં આવી નહીં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં.
સાથે જ શિષ્યવૃત્તિની રકમની તત્કાલ ધોરણે ચૂકવણી કરવામાં આવે તેવી માંગણી કરીને
ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સંકુલમાં પ્રવેશવાની સાથે
શરૃ કરાયેલી નારાબાજી કચેરીના નિયામક સુધી પહોંચવા સુધી કરવામાં આવી હતી. આખરે
અધિકારીઓ વિદ્યાર્થીઓને સાંભળવા માટે કચેરીના દરવાજે સામા આવ્યા પછી મામલો થાળે
પડયો હતો. બાદમાં તેમને પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.