પરિણામો જાહેર નહીં થયા ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ ડીનની ઓફિસ બહાર મોરચો માંડયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ૬૦ દિવસ પછી પણ રિએસએસમેન્ટના પરિણામો જાહેર નહીં થતા આજે વિદ્યાર્થીઓએ ફેકલ્ટી માથે લીધી હતી અને ડીનની ઓફિસની બહાર મોરચો માંડયો હતો.૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડીન ઓફિસની બહાર બેસી જતા એક કલાક સુધી અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓનુ કહેવું હતું કે, અન્ય ફેકલ્ટીઓના રિએસએસમેન્ટના પરિણામો જાહેર થઈ ગયા છે અને માત્ર ટેકનોલોજી ફેકલ્ટીના જ પરિણામો બાકી છે.બીજી તરફ આગામી સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા પણ શરુ થઈ ગઈ હોવાથી હવે રિએસએસમેન્ટ માટે અરજી કરનારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.પરિણામમાં વિલંબથી આવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પણ રહી શકતા નથી અને આગામી સેમેસ્ટરનો અભ્યાસ પણ કરી શકતા નથી.
વિદ્યાર્થીઓએ ડીન ઓફિસની બહાર જ રામધૂન બોલાવી હતી.વિદ્યાર્થીઓએ ડીન પ્રો.ધનેશ પટેલનો પણ લગભગ અડધો કલાક સુધી ઘેરાવો કર્યો હતો.આખરે ફેકલ્ટી ડીને આજે મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે તેવી ખાતરી આપી હતી.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, જો આજે રાત સુધીમાં પરિણામ જાહેર નહીં થાય તો અમે આવતીકાલે, શનિવારે ફરી આંદોલન કરીશું.