સતત સાતમા વર્ષે સીમા પર તૈનાત જવાનોને દિવાળી કાર્ડ મોકલ્યા
વડોદરાઃ દિવાળીની ઉજવણીના ભાગ રૃપે એમ.એસ.યુનિ.ની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓ કચ્છ બોર્ડર પર તેનાત બીએસએફના જવાનોને હાથથી બનાવેલા દિવાળી ગ્રિટિંગ કાર્ડ મોકલ્યા છે.મોબાઈલના યુગમાં સોશિયલ મીડિયા પર પાઠવવામાં આવતી દિવાળીની શુભેચ્છાઓના કારણે ગ્રિટિંગ કાર્ડ મોકલવાની પરંપરા લુપ્ત થવા આવી છે ત્યારે પાછલા ૬ વર્ષથી આભાર પ્રવૃત્તિનાં ભાગ રૃપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કાર્ડ્સ મોકલાવામાં આવે છે.
ફેકલ્ટીના સેનેટ સભ્ય અને બી ધ ચેન્જ ગુ્રપનાં ફાઉન્ડર સરલ પટેલે જણાવ્યું હતું કે ૨૦૧૬માં ઉરી હમલા બાદ આ પ્રવૃત્તિ કરવાનો વિચાર આવ્યો હતો. દેશના જવાનો ભારત માતાની રક્ષામાં રાત દિવસ દેશની સીમાઓ પર તેનાત રહે છે, દિવાળીના સમયે પણ તેઓ પરિવારથી દૂર રહીને દેશ માટે ફરજ બજાવતા હોય છે.આ માટે તેમનો હાથથી બનાવેલા દિવાળી કાર્ડથી ે આભાર વ્યક્ત કરાય છે.
વર્ષ ૨૦૧૬માં ૭૫૦ કાર્ડ ઉરી ખાતે, ૨૦૧૭માં ૧૦૦૦ કાર્ડ કાશ્મીર ખાતે, ૨૦૧૮માં ૧૫૦૦ કાર્ડ બાલાકોટ ખાતેની બોર્ડર પર મોકલવામાં આવ્યા હતા.૨૦૧૯માં ૨૦૦૦ કાર્ડ કચ્છ અને કાશ્મીરની બોર્ડર પર અને ૨૦૨૧માં ૩૦૦ કાર્ડ કચ્છની બોર્ડર પર મોકલાયા હતા. ૨૦૨૨માં વિદ્યાર્થીઓએ ૧૦૦૦ થી વધુ કાર્ડ બનાવીને બોર્ડર મોકલ્યા હતા. આ વર્ષે જવાનોને ૧૫૦૦ કાર્ડ મોકલવાનું લક્ષ્યાંક છે.
ફેકલ્ટીના વિદ્યાર્થી મોહિત ભોઈટેએ જણાવ્યું કે, આપણા દેશના જવાનો માટે હાથથી કાર્ડ બનાવ્યાનો આનંદ અનેરો છે. આપણે તો દેશની સેવામાં દિવસ રાત ઉભા નથી રહી શકતા, પણ એક કાર્ડથી તેમનો આભાર વ્યક્ત કરી શકીયે છીએ. સંસ્કારી નગરી વડોદરાથી શરૃ થયેલી પહેલના કારણે સતત છ વર્ષથી દેશની સીમાઓ પર તૈનાત જવાનોને અમે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.