Get The App

ચોમાસામાં હાફેશ્વર ગામના નવ બાળકોને સ્કૂલમાં ભણવા જવા બોટમાં બેસવુ પડે છે

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ચોમાસામાં હાફેશ્વર ગામના નવ બાળકોને સ્કૂલમાં ભણવા જવા બોટમાં બેસવુ પડે છે 1 - image

વડોદરાઃ આઝાદીના ૭૫ વર્ષો પછી પણ ગ્રામ્ય વિસ્તારોમાં  શિક્ષણ મેળવવા માટે દેશના કરોડો બાળકો રોજ બરોજ સંઘર્ષ કરતા હોય છે.છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનુ હાફેશ્વર ગામ પણ આવો જ એક વિસ્તાર છે.જેના કિનારા પર રહેતા નવ બાળકો ચોમાસા દરમિયાન રોજ એક નાની બોટ થકી  પાણીમાં બે કિલોમીટરની મુસાફરી કરીને સ્કૂલે પહોંચે છે.

કવાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં મુખ્ય રસ્તા સુધી પાકો રોડ જાય છે પરંતુ ડુંગરની તળેટી વચ્ચે અલગ અલગ ૬ ફળિયા એવા છે જ્યાં રસ્તા નથી.બીજી તરફ હાફેશ્વરના છેવાડાના સામેના  કિનારે પ્રાથમિક સ્કૂલ આવેલી છે.જૂના મંદિર ફળિયા અને ઝરણા ફળિયાના બાળકો કાચા રસ્તાનો ઉપયોગ કરીને સ્કૂલમાં જાય છે.ચોમાસામાં આ રસ્તા પર આવેલા કોતરોમાં પાણી ભરાઈ જતા હોવાથી અવર જવર માટે આ રસ્તો જોખમી બની જાય છે.

અત્યારે કોતરોમાં પાણી છલોછલ છે ત્યારે નવ જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોતરના એક કિનારેથી બોટમાં બેસાડીને નદીના સામા કિનારે આવેલી પાદર પળિયાની પ્રાથમિક સ્કૂલમાં વાલીઓ લઈ જાય છે અનએ પાછા આવે છે.આ બાળકો માટે સ્કૂલમાં જવાનો બીજો કોઈ રસ્તો નથી.આમ અભ્યાસ કરવા માટે બાળકો રોજ જીવ જોખમમાં મૂકે છે.પાણીમાં મગર હોવાની પણ શક્યતા છે.

આ બોટની અને તેને ચલાવવા માટેના પેટ્રોલની વ્યવસ્થા પણ વાલીઓએ કરી છે.વાલીઓનું કહેવું છે કે, સરકાર દીકરીઓને ભણાવવાનું કહે છે પણ આ  સ્થિતિમાં દીકરીઓને કેવી રીતે ભણાવવી? ખરેખર તો બોટની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ કે પછી ગામના એક છેડે વધુ એક નાની સ્કૂલ બનાવવી જોઈએ.જેથી ચોમાસામાં બાળકોને બોટમાં બેસીને જવું ના પડે.

હાફેશ્વર ગામ ગુજરાત ના છેવાડા  નું ગામ છે. નજીક માં નર્મદા નદી પસાર  થાય છે  અને સામે ના કિનારે મધ્યપ્રદેશ ની હદ છે જયારે બીજા છેડે  મહારાષ્ટ્ર ની હદ છે વચ્ચે હાફેશ્વર ગામ ના ૧૨ ફળિયા આવેલા છે અને લગભગ ૩ હજાર ની   વસ્તી છે. ગરીબ આદિવાસી સમાજ ના લોકો  પાસે રોજગારીના ઝાઝા સાધનો નહીં હોવા છતાંય બાળકો ને જીવ ના જોખમે પણ અભ્યાસ કરાવે છે



Google NewsGoogle News