ફાઈન આર્ટસના ગરબાઃ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને સિનિયર ગરબાની ટ્રેનિંગ આપે છે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
ફાઈન આર્ટસના ગરબાઃ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને સિનિયર ગરબાની ટ્રેનિંગ આપે છે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના ગરબા પણ આકર્ષણનુ કેન્દ્ર બનતા હોય છે.અહીંયા માઈકનો ઉપયોગ કરવામાં આવતો નથી.આમ છતા  વિદ્યાર્થીઓ ગરબાનો ટેમ્પો એ રીતે જમાવે છે કે જોનારા અભિભૂત થઈ જાય છે.

અન્ય એક ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ફાઈન આર્ટસના ગરબા માટેની ટ્રેનિંગ દસ દિવસ પહેલાથી શરુ થઈ જાય છે.ફેકલ્ટીના સિનિયર વિદ્યાર્થીઓ પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા અને પહેલી વખત ગરબા રમનારા વિદ્યાર્થીઓેને ગરબા શીખવાડે છે.બીજા શબ્દોમાં કહીએ તો ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓના કોર્સમાં ગરબા નામનો વિષય બિન સત્તાવાર રીતે સામેલ થઈ જતો હોય છે.

ગરબાની ટ્રેનિંગ આપવાનુ એક કારણ એ પણ છે કે ફેકલ્ટીમાં અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ ભણવા માટે આવતા હોય છે.તેમને ગરબાનો ઝાઝો પરિચય હોતો નથી.એટલે તેમને ગરબા કેવી રીતે રમવા તે બતાવવુ પડતુ હોય છે.આ વખતે પણ ફાઈન આર્ટસમાં ૨૦ રાજ્યોના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે અને આ તમામ વિદ્યાર્થીઓ ગુજરાતની સંસ્કૃતિના પ્રતિક સમા ગરબા રમી રહ્યા છે.

ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ૮ સ્ટેપ, ૧૨ સ્ટેપ અને ૧૬ સ્ટેપ એમ ત્રણ પ્રકારના સ્ટેજમાં ગરબા રમતા હોય છે.ગરબાની શરુઆત આઠ સ્ટેપથી થાય છે અને જેમ જેમ ગરબા વેગ પકડતા જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ ૧૨ સ્ટેપ અને છેલ્લા ૧૬ સ્ટેપના ગરબા સાથે ગરબાની પૂર્ણાહૂતિ કરે છે.

વડોદરામાં હજારો ખેલૈયાઓ રમતા હોય તેવા તો ઘણા ગરબા આયોજનો થાય છે પણ  ભારતના પશ્ચિમ બંગાળથી માંડીને કેરાલા, કર્ણાટકથી લઈને નોર્થ ઈસ્ટ સુધીના રાજ્યોના વિદ્યાર્થીઓ ગરબાની રમઝટ જમાવતા હોય તેવુ એક માત્ર ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં જોવા મળે છે.


Google NewsGoogle News