જર્જરિત બિલ્ડિંગો ધરાવતી ૧૧ સ્કૂલોના ૪૦૦૦ વિદ્યાર્થીઓનું રાતોરાત સ્થળાંતર
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને ૨૩ બિલ્ડિંગમાં ચાલતી ૩૪ સ્કૂલોને તાજેતરમાં રિપેરિંગ માટે નોટિસો આપવામાં આવી હતી.જોકે આ નોટિસો બાદ પણ કેટલીક સ્કૂલોમાં જર્જરિત બાંધકામ વચ્ચે પણ વિદ્યાર્થીઓને ભણાવવાનુ ચાલુ રાખવામાં આવ્યુ હતુ.જેને લઈને સમિતિના સત્તાધીશો પર ભારે માછલા ધોવાયા હતા.
એ પછી શિક્ષણ સમિતિએ અચાનક જ યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે અને જે સ્કૂલોના બિલ્ડિંગ વધારે જર્જરિત છે તેવી ૧૧ સ્કૂલોના ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓનુ રાતોરાત અન્ય સ્કૂલોમાં સ્થળાંતર કરીને તેમાં રિપેરિંગ શરુ કરવામાં આવ્યુ છે.આ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલોમાં મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જે સ્કૂલોનુ સ્થળાંતર કરાયુ છે તેમાં વાડીની જગદીશ બોઝ પ્રાથમિક શાળા, વાઘોડિયા રોડ પરની લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા, નિઝામપુરાની શ્રી રંગ અવધૂત પ્રાથમિક શાળા, સયાજીગંજની મગનભાઈ શંકરભાઈ પટેલ પ્રાથમિાક શાળા, નિઝામપુરાની મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા, તરસાલીની ડો. અબ્દુલ કલામ પ્રાથમિક શાળા, તાંદલજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલની બે પાળી, અકોટાની ડો.હેડગેવાર સ્કૂલની બે પાળી તેમજ આ સ્કૂલના હિન્દી માધ્યમનો સમાવેશ થાય છે.આ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં ખસેડવામાં આવ્યા છે.આ પૈકી પણ તાંદલાજાની સ્કૂલ માટે સત્તાધીશો હજી વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છે.
બાકીની ૨૩ શાળાઓમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બીજા હિસ્સામાં બેસાડીને શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.સૂત્રોનુ કહેવુ છે કે, શક્ય હોય તેટલી જલદી સમારકામ હાથ ધરીને સ્કૂલોને ફરી પૂર્વવત રીતે શરુ કરવામાં આવશે.