કોમર્સના ટીવાયના વિદ્યાર્થીઓને બે વર્ષ પછી એફવાયની માર્કશીટ મળશે

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
કોમર્સના ટીવાયના વિદ્યાર્થીઓને બે વર્ષ પછી એફવાયની માર્કશીટ  મળશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હાલમાં ટીવાયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની એફવાયની માર્કશીટની હાર્ડ કોપી બે વર્ષ બાદ મળશે.કોમર્સ ફેકલ્ટીના વિવિધ યુનિટ પર તા.૨૭મીથી બેઠક નંબર પ્રમાણે વિદ્યાર્થીઓને એફવાયની ૬૦૦૦ કરતા વધારે માર્કશીટનુ વિતરણ કરવામાં આવશે.માર્કશીટનુ વિતરણ કરવાનુ ટાઈમ ટેબલ દરેક યુનિટના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યું છે.દરેક યુનિટ પર વિતરણની કામગીરી ચારથી પાંચ દિવસ ચાલશે.

યુનિવર્સિટીનુ તંત્ર કઈ હદે ખાડે ગયું છે તેનો ખ્યાલ એ વાત પરથી આવી શકે છે કે, માર્કશીટ જેવી મહત્વની વસ્તુ માટે પણ વિદ્યાર્થીઓને બે-બે વર્ષ સુધી રાહ જોવી પડી રહી છે.આ વિદ્યાર્થીઓની એસવાયની માર્કશીટ તો હજી બાકી જ છે.જ્યારે તાજેતરમાં ટીવાયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પણ હજી માર્કશીટ મળી નથી.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, એમ.એસ.યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી માટે પોતાનુ પોર્ટલ તૈયાર કર્યું હતુ અને તે અનુસાર માર્કશીટ પ્રિન્ટિંગ માટેની કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમ પણ બનાવાઈ હતી.જોકે તેમાં રહેલી કેટલીક ખામીઓ અને પરીક્ષા વિભાગના તંત્રની ઢીલાશના કારણે માર્કશીટો પ્રિન્ટ કરવામાં ભારે વિલંબ થયો હતો.

વિદ્યાર્થીઓ રજૂઆત કરતા રહ્યા હતા અને રાબેતા મુજબ સત્તાધીશોએ તેમની ફરિયાદો પર કાર્યવાહી કરવાની તસ્દી લીધી નહોતી.જેના કારણે વિદ્યાર્થીઓને બે વર્ષ પછી માર્કશીટ આપવાનો શરમજનક રેકોર્ડ યુનિવર્સિટીના નામે ચઢ્યો છે.આ બાબતે જાણકારી માટે કોમર્સ  ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયનો સંપર્ક થઈ શક્યો નહોતો.


Google NewsGoogle News