બેન્કિંગ વિભાગના વિદ્યાર્થીઓનું પહેલી વખત આરબીઆઈમાં લેક્ચર યોજાયું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બેન્કિંગ વિભાગે પહેલી વખત વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ શિક્ષણ પર ભાર મુકવાની નીતિ અપનાવી છે.
જેના ભાગરુપે બેન્કિંગ વિભાગના એમકોમના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને તાજેતરમાં મુંબઈ ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તેમજ સેબીની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને આરબીઆઈ અને સેબીની કાર્યપધ્ધતિ અને તેના વિવિધ પાસાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.
ફેકલ્ટીના અધ્યાપક મનોજ પરમાર કહે છે કે, આમ તો વિદ્યાર્થીઓને અમે આરબીઆઈ અને સેબી જેવી સંસ્થાઓ અંગે ક્લાસમાં બેસાડીને પણ ભણાવવામાં આવે છે પણ તેમને પ્રેક્ટિકલ શિક્ષણ મળે તે માટે પહેલી વખત મુંબઈમાં આરબીઆઈની ઓફિસમાં અને શેરબજારનુ સંચાલન કરતી સેબીની ઓફિસમાં લઈ જવાયા હતા.આરબીઆઈમાં વિદ્યાર્થીઓને ડેટા સ્ટોરેજ કેવી રીતે કરવામાં આવે છે, નાણાકીય નીતિ કેવી રીતે ઘડવામાં આવે છે અને બેન્કિંગના નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે તેની જાણકારી અપાઈ હતી.વિદ્યાર્થીઓનુ ે આરબીઆઈના અધિકારીઓએ લેકચર પણ લીધુ હતુ. વિદ્યાર્થીઓએ પૂછેલા સવાલોના જવાબ પણ આપ્યા હતા.
સાથે સાથે વિદ્યાર્થીઓને સેબીની મુલાકાત દરમિયાન શેર બજારનુ સંચાલન કેવી રીતે કરવામાં આવે છે, નવી કંપનીનુ શેર બજારમાં લિસ્ટિંગ કેવી રીતે થાય છે ...જેવી વિવિધ માહિતી આપવામાં આવી હતી.
આગામી દિવસોમાં પ્રેક્ટિકલ શિક્ષણના ભાગરુપે વિદ્યાર્થીઓને નાબાર્ડની મુલાકાતે લઈ જવાની પણ યોજના છે.