એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં કાળઝાળ ગરમીમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓના લેકચર
વડોદરાઃ ગુજરાતમાં ચાલી રહેલા હીટવેવ વચ્ચે ગુજરાતમાં એક માત્ર એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં વિદ્યાર્થીઓનુ શિક્ષણ ચાલુ છે.કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓના બપોરે એક વાગ્યાથી અઢી વાગ્યા સુધી લેકચર લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે તેનો સમય પણ બદલવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મળતી વિગતો પ્રમાણે નવી શિક્ષણ નીતિના અમલમાં વિલંબના કારણે કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનુ શિક્ષણ આખા ગુજરાતમાં સૌથી છેલ્લે શરુ થયુ હતુ અને તેના કારણે હજી બીજા સેમેસ્ટરનો કોર્સ પૂરો થયો નથી.સત્તાધીશોએ એફવાયના વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન રદ કરી નાંખ્યુ છે.વિદ્યાર્થીઓનો બીજા સેમેસ્ટરનો કોર્સ પૂરો થશે એટલે જૂન મહિનાના અંતમાં બીજા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા લેવામાં આવશે.
હાલમાં કોમર્સ ફેકલ્ટીમાં હીટવેવ વચ્ચે પણ એફવાયના વર્ગો લેવામાં આવી રહ્યા છે.સત્તાધીશોએ કાળઝાળ ગરમી વચ્ચે પણ સવારે ૧૧ વાગ્યાથી અઢી વાગ્યા સુધીનો સમય રાખ્યો છે.હીટવેવ શરુ થયા બાદ પણ સત્તાધીશોએ સમય બદલવા માટે વિચારણા કરી નથી.ગરમીના કારણે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.એક અંદાજ પ્રમાણે માંડ ૧૦ ટકા વિદ્યાર્થીઓ લેકચર એટેન્ડ કરવા માટે આવી રહયા છે. વિદ્યાર્થી સંગઠનોનુ કહેવુ છે કે, જે વિદ્યાર્થીઓ આવે છે તેમને પણ ગરમીમાં લૂ લાગી જવાનો ભય છે.હાલમાં તો બીજા વિદ્યાર્થીઓ માટે તો એમ પણ વેકેશન છે ત્યારે કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ એફવાયના લેકચર સવારે રાખવા જોઈએ.જેથી વિદ્યાર્થીઓ ગરમીનો ભોગ ના બને.જો કોચિંગ ક્લાસના સંચાલકો બપોરના સમયે ક્લાસ નહીં ચલાવવાનો નિર્ણય લેતા હોય તો કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો કોની રાહ જુએ છે?