કોમર્પસમાં રીક્ષાના આગલા દિવસ સુધી માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવા માટે દોડધામ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ૨૨ ડિસેમ્બર, ગુરુવારથી એસવાયબીકોમની ઈન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થશે.જોકે સેન્ટ્રલ બોર્ડ અને અન્ય રાજ્યોના બોર્ડમાંથી ધો.૧૨ પાસ કરનારા સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાથી પરીક્ષાના આગલા દિવસ સુધી તેમના માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવા માટે ભારે દોડધામ જોવા મળી હતી.આમ છતા પણ ૨૦૦ જેટલા આવા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેવુ મનાઈ રહ્યુ છે.
વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનનુ કહેવુ હતુ કે, ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ લે ત્યારે માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવાનુ હોય છે.લગભગ ૪૦૦ જેટલા આવા વિદ્યાર્થીઓ એફવાયમાં કોરોના અને બીજા કારણસર સર્ટિફિકેટ જમા કરાવી શક્યા નહોતા.પરીક્ષા વિભાગે ૧૧ નવેમ્બરે કોમર્સ ફેકલ્ટીને મેઈલ કરીને તેમના માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવા માટે કહ્યુ હતુ.જોકે કોઈ કારણસર વિદ્યાર્થીઓને આ સૂચના અપાઈ નહોતી.
જેના કારણે જ્યારે પરીક્ષા માટેના બેઠક નંબરો જાહેર થયા ત્યારે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓના નામ જ તેમાં નહોતા.જેના કારણે આ વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા.વિદ્યાર્થીઓએ તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે, માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવાનુ બાકી હોવાથી બેઠક નંબર જાહેર થયા નથી.આ વિદ્યાર્થીઓની પરીક્ષા ના બગડે તે માટે છેક છેલ્લી ઘડી સુધી આજે માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવા માટે કોમર્સ ફેકલ્ટી અને પરીક્ષા વિભાગે કવાયત કરી હતી.
આમ છતા પણ વિદ્યાર્થી સંગઠનનુ કહેવુ છે કે,૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ માઈગ્રેશન સર્ટિફિકેટ જમા નહીં કરાવી શક્યા હોવાથી પરીક્ષા આપવાથી વંચિત રહેશ ેઅને તેમને ફરી જ્યારે પરીક્ષા લેવાશે ત્યારે તેમાં બેસવુ પડશે.