વડોદરામાં આંગણવાડીના વીજ કનેક્શન કપાતા વિદ્યાર્થીઓને અંધારામાં અભ્યાસ કરવો પડ્યો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
વડોદરામાં આંગણવાડીના વીજ કનેક્શન કપાતા વિદ્યાર્થીઓને અંધારામાં અભ્યાસ કરવો પડ્યો 1 - image

વડોદરા,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આવેલા રેન બશેરાના મકાનમાં ચાર આંગણવાડી ચલાવવામાં આવે છે. આ આંગણવાડીઓનું લાઈટ બિલ નહીં ભરવામાં આવતા ત્રણ આંગણવાડીનું છેલ્લા ચાર દિવસથી મધ્ય ગુજરાત વીજ નિગમ દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવતા બાળકોને લાઈટ વિના અંધારામાં અને પંખા વિના રહેવાનો વારો આવ્યો હતો.

વોર્ડ નંબર 1 વિસ્તારના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ નવા યાર્ડ વિસ્તારમાં રેન બશેરાનું મકાન આવેલું છે. જેમાં ચાર આંગણવાડી કાર્યરત છે. આ આંગણવાડીઓનું બિલ ભરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર હતી. ચારમાંથી અમરનગર, ગરીબ નવાજ પાર્ક અને રોશનનગર આંગણવાડીનું લાઈટ જોડાણ ચાર દિવસ અગાઉ વીજ નિગમ દ્વારા  કાપી નાખવામાં આવ્યું હતું. અહીં ચોથી પણ એક આંગણવાડી છે જો તેનું લાઈટ જોડાણ કાપી નાખે તો પાણી પણ બંધ થઈ જાય તેવી સ્થિતિ હતી, પરંતુ વીજ નિગમને વિનંતી કરતા પાણી બંધ ન થાય તેને ધ્યાનમાં રાખીએ આંગણવાડીનું વીજ જોડાણ કાપ્યું ન હતું.

આ એ જ આંગણવાડીઓ છે જેને બે વર્ષ પહેલાં સારી કામગીરી બદલ યશોદા એવોર્ડ પણ મળેલો હતો .અહીં આસપાસના વિસ્તારોના 70 જેટલા ભૂલકાઓ આવે છે. હાલ બેવડી ઋતુ ચાલે છે. દિવસે બફારો અને ગરમી હોય છે, અને એમાં પંખા વિના ભૂલકાઓની હાલત કફોડી થતાં ચાર દિવસથી બાળકોની સંખ્યા પણ ઘટી ગઈ હતી. કોર્પોરેશનમાં યુસીડી વિભાગ હેઠળ આવતી આ આંગણવાડીના બાકી રહેલા વીજબિલ ભરી દેવા સંદર્ભે ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોર્પોરેશન તંત્રની આ બેદરકારી કહેવાય. દેશનું ભવિષ્ય જો અંધકારમય હોય તો પછી ઉજવળ ભવિષ્યની આશા કેવી રીતે રાખી શકાય ? જોકે આજે બપોર પછી આશરે રૂપિયા 34 હજાર વીજળીનું બાકી બિલ ભરી દેતા લાઈટ ચાલુ કરી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.


Google NewsGoogle News